ગોંડલના ચોરડી ગામે વેરહાઉસમાં ૭.૪૯ લાખની મગફળીની ચોરી મામલે પોલીસ તપાસ શરૂ

ગોંડલ: રાજકોટ જીલ્લાના ગોંડલના ચોરડી ગામે એક વેરહાઉસમાંથી નાફેડની રૂ. ૭.૪૯ લાખની કિંમતની ૨૮૭ બોરી મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અજાણ્યા તસ્કરોએ ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલની વચ્ચે વેરહાઉસના તાળા તોડીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે અરવિંદભાઈ રાકેશભાઈ મીણા કે જેઓ જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કંપનીએ ભાડા પેટે રાખ્યું છે ગોડાઉન
મળતી વિગતો અનુસાર હરસિધ્ધી કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ ૧૧ મહીનાના ભાડા પેટે રાખેલ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરીને ભરવામાં આવી હતી. આ ગોડાઉનમાં સુપરવાઈઝર તરીકે વિરપુરના રવીભાઈ મકવાણા, સીક્યુરીટી તરીકે ગોમટાના પ્રજ્ઞેશભાઈ દઢાણીયા અને વિરપુરના પ્રફુલભાઈ ચાવડા, જીવરાજભાઈ ચાવડા નોકરી કરે છે.
આ પણ વાંચો: ઝોમેટો બિનઆરોગ્યપદ ફૂડ સપ્લાય કરી રહ્યું છે? હૈદરાબાદના વેરહાઉસમાં દરોડા દમિયાન ગેરરીતિઓ મળી આવી
કઈ રીતે થઈ ચોરીની જાણ?
ગત ૨૧મીના રોજ દરવાજાનુ તાળુ તૂટેલું હોય અને મગફળી બહાર ઢોળાયેલી હોય આથી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયાનું માલુમ પડયું હતું. અને બાદમાં તપાસ કરવામાં આવતા ત્રણેય સ્ટેગમાંથી મળીને ૨૮૭ મગફળીની બોરીઓની ચોરી થયેલાનું જણાઈ આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમ પણ જોડાઈ છે.