ગોંડલના રાજકુમાર જાટ મર્ડર કેસમાં નવો વળાંક: સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી | મુંબઈ સમાચાર
ગોંડલ

ગોંડલના રાજકુમાર જાટ મર્ડર કેસમાં નવો વળાંક: સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી

ગોંડલઃ રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. તમામ પુરાવા-સીસીટીવી સાથે તપાસ સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી હતી. ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતા તેમના પરિવારજનો દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ, યુવકના પરિવારનું માનવું હતું કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઇ કોર્ટમાં સુનવણી યોજાઈ હતી.

હાઇ કોર્ટના હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી.પુરોહિતનું નામ હાઇ કોર્ટ સમક્ષ આપ્યું હતું. ડીવાયએસપી જાતે આ કેસમાં હવે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે. નવી તપાસ કમિટી નવેસરથી તપાસ હાથ ધશે અને તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.

આ પણ વાંચો : ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે મારપીટ અને રાજકોટમાં મોત! અમિત ચાવડાએ કર્યા આક્ષેપો

આ કેસમાં મૃતકના પરિવાર દ્વારા કોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, રાજકોટ પોલીસ દ્વારા પક્ષપાતી તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટનો પણ પ્રથમ દૃષ્ટિએ એવો અભિપ્રાય હતો કે આ કેસની તપાસ અન્ય કોઈ અધિકારીને સોંપવી જરૂરી છે. રાજ્ય સરકારે પણ આ તપાસ બીજા અધિકારીને સોંપવા સામે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. અરજદારે કોર્ટ સમક્ષ તપાસ માટે પ્રેમસુખ ડેલુ, અજિત રાજીયાન, ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની અને નીતેશ પાંડે જેવા અધિકારીઓના નામ સૂચવ્યા હતા. જોકે, સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ રજૂ કર્યું હતું.

આખરે, સિનિયોરિટી અને બંને પક્ષોના સૂચનોને આધારે પ્રેમસુખ ડેલુને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત (ધાંગધ્રા) તેમને મદદ કરશે. રાજ્ય સરકારે તપાસના તમામ કાગળો અને પુરાવા તાત્કાલિક નવી તપાસ ટીમને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ માટે એક નવી ટીમની રચના પણ કરી શકશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button