ગોંડલના વરસાદે મેળાની મજા બગાડી: રાઇડ્સ બંધ થતાં મેળા રસિયા નિરાશ, જુઓ વાયરલ વીડિયો | મુંબઈ સમાચાર
ગોંડલ

ગોંડલના વરસાદે મેળાની મજા બગાડી: રાઇડ્સ બંધ થતાં મેળા રસિયા નિરાશ, જુઓ વાયરલ વીડિયો

ગોંડલ: ગુજરાતમાં એક તરફ સાતમ આઠમના પર્વનો માહોલ છે તો બીજી તરફ મેઘરાજાએ પણ આ જ સમયે પધરામણી કરી હતી. જો કે જન્માષ્ટમીના પર્વ પર ખાબકેલા વરસાદે સૌરાષ્ટ્રના અનેક લોકમેળામાં વિઘ્ન સર્જ્યું હતું. રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે પડેલા વરસાદના કારણે મેળાની રંગતમાં ફિક્કી રહી હતી અને વરસાદના લીધે રાઇડ્સ બંધ કરવાની ફરજ પાડી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મળતી વિગતો અનુસાર, ગોંડલ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ અનરાધાર પડેલા વરસાદથી ખેડૂતોમાં તો આનંદની લાગણી છે પરંતુ આ વરસાદને કારણે લોકમેળામાં વિઘ્ન આવ્યું હતું. ગોંડલમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે લોકમેળાની મજા ફિક્કી રહી હતી. મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને અંતે રાઇડ્સ પણ બંધ કરવાની ફરજ પડી હતી. જો કે તેના કારણે હોંશે હોંશે મેળો માણવા આવેલા લોકોએ નિરાશ થવું પડ્યું હતું. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગોંડલના લોકમેળામાં આખર સુધી રાઇડ્સને મંજુરી આપવામાં આવી નહોતી, રાઇડ્સની મંજુરીનું ગૂંચવાયેલું કોકડું છેક જન્માષ્ટમીના દિવસે ખુલ્યું હતું અને રાઇડ્સને મંજુરી આપવામાં આવી હતી. જેના કારણે શહેર અને તાલુકાના ગામડાઓમાંથી રાઇડ્સની મજા માણવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ વરસાદ ખાબકતા આ મજા ફિક્કી રહી હતી.

મેળાના મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકો અને વેપારીઓએ તંત્ર પાસેથી તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી હતી. જોકે હજુ સુધી તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આગામી દિવસોમાં પણ લોકોને આ જ મુશ્કેલી જળવાઈ રહે તેવી શક્યતા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button