ગોંડલ

ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે મારપીટ અને રાજકોટમાં મોત! અમિત ચાવડાએ કર્યા આક્ષેપો

ગોંડલઃ શહેરના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે એક પાંઉભાજી વેચતા વ્યક્તિના દીકરાને માર માર્યો હોવાની ઘટનાએ જોર પક્ડયું હતું. જેમાં સ્થાનિક પોલીસે કેસ ન લેતા એસપી સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, મારકૂટ કર્યા બાદ યુવક ગુમ થઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પરંતુ અત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે, કારણે કે, ગુમ થયેલા રાજકુમારની લાશ છેક રાજકોટથી મળી આવી છે. રાજકોટ નજીક અકસ્માતમાં એક અજાણ્યા યુવકનું મોત થયું. જેમાં મૃત્યુ પામનારા યુવકની ઓળખ ગોંડલના લાપત્તા યુવક તરીકે થઈ છે.

ગોંડલના રાજકુમારની ઘટનામાં આવ્યો નવો વળાંક

આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો કર્યાં છે કે, ગુજરાતમાં જંગલ રાજ ચાલી રહ્યું છે જેથી પોલીસ સ્ટેશન પર તાળા મારી દેવાનું કહ્યું! વધુમાં કહ્યું કે, ભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. જે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. અત્યારે તેમના દીકરા પર ગંભીર આરોપ લાગ્યાં છે.
અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું કે યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટને માર મારવો, તેનું જયરાજસિંહ જાડેજાના ફાર્મ પરથી ગુમ થવું અને અચાનક અકસ્માતથી મોતના સમાચાર પ્રકાશમાં આવ્યાં! આ ઘટના શંકાસ્પદ લાગી રહીં છે. અમિત ચાવડાએ ગુજરાતની કાયદા વ્યવસ્થા પર પણ અનેક સવાલો કર્યાં છે. પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસે શેરીઓના નાના ટપોરીયોને પકડીને સોશિયલ મીડિયામાં દેખાવો કરતી રહે છે, જ્યારે મોટા ગુંડાઓ ખુલ્લેઆમ બેખૌફ થઈને ગુનાઓ કરી રહ્યાં છે.

વધુમાં એક્સ પર પોસ્ટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે, ગુજરાતના ગોંડલમાં ગુમ થયેલા યુવક રાજકુમાર જાટની લાશ મળી આવ્યા બાદ મૃતકના પરિવારજનોએ ભાજપના ધારાસભ્યના પરિવાર પર શંકાસ્પદ હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારને ન્યાય આપવા માટે, વિધાનસભા કોંગ્રેસ પાર્ટીએ આજે ​​નિયમ 116 હેઠળ ચર્ચાની માંગ કરી છે અને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.’

આ પણ વાંચો: જેલમાં બંધ ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેન્કનાં વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયો

ગણેશ જાડેજા સહિત 7-10 માણસોએ તેને માર્યો હતોઃ મૃતકના પિતા

આ મામલે રાજકુમારના પિતાએ આક્ષેપો કરતા કહ્યું કે, તેઓ તેમના પુત્ર સાથે પૂર્વ ધારાસભ્યના બંગલા સામેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ગણેશ જાડેજાએ તેમને અટકાવ્યા અને 7-10 માણસોએ સાથે માર માર્યો હતો. ત્યાર બાદ તેઓ ઘરે જતાં રહ્યાં હતાં પરંતુ પુત્ર રાજકુમાર રાત્રે ફરી આ બાબતે ફરિયાદ કરવા માટે ત્યાં ગયો હતો ત્યાર પછી તે ત્યાંથી ગુમ થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ કરી હતી અને બાદમાં રાજકોટ એસ.પીને પણ લેખિતમાં ફરિયાદ આપી હતી. જો કે, અત્યારે પુત્રના મોતના કારણે પિતા સહિત પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button