રાજુ સોલંકીએ જયરાજસિંહ પાસેથી 2 કરોડ લઈ ગણેશ ગોંડલ સાથે સમાધાન કર્યું ?

ગોંડલઃ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી, અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે આખરે સમાધાનની જાહેરાત થઈ છે. ગોંડલમાં જયરાજસિંહ સોલંકીના બંગલામાં યોજાયેલી બેઠકમાં રાજુ સોલંકી, તેમનો પુત્ર સંજય સોલંકી તથા દલિત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને બંને વચ્ચે સમાધાનની જાહેરાત કરાઈ હતી. રાજુ સોલંકીએ જયરાજસિંહ પાસેથી 2 કરોડ લઈ ગણેશ ગોંડલ સાથે સમાધાન કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
સમાધાન બાદ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સમાધાન સંપૂર્ણપણે પારિવારિક ભાવનાથી થયું છે. સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ ચાલતી રૂપિયાની લેતીદેતીની વાતો પાયાવિહોણી છે. રાજુ સોલંકીએ મારી પાસે માત્ર એક જ પ્રસ્તાવ મૂક્યો હતો કે, તેઓ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા માંગે છે, જેમાં મેં તેમને આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી.
શું છે મામલો
ગત 30 મે, 2025ના રોજ જૂનાગઢના કાળવા ચોકમાં કાર ચલાવવા બાબતે સંજય સોલંકી અને ગણેશ જાડેજાના માણસો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ સંજય સોલંકીનું અપહરણ કરી તેને ગોંડલ લઈ જઈ ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 8 લોકો સામે હત્યાની કોશિશ અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા. જ્યારે સામે પક્ષે પોલીસે રાજુ સોલંકીના પરિવાર પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતા મામલો વધુ ગરમાયો હતો.
જયરાજસિંહ જાડેજાએ આ તકે અનિરુદ્ધસિંહ રિબડા પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં અને સમાજમાં ગેરસમજ ઉભી કરવામાં રિબડા જૂથનો મોટો હાથ રહ્યો છે. રાજુ સોલંકી જેલમાં હતા ત્યારે તેમને કોઈ સહકાર મળ્યો નહોતો. બંને પક્ષોએ હવે કાયદાકીય પ્રક્રિયામાં પણ સહકાર આપી આ પ્રકરણને પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે.
સમાધાન બાદ રાજુ સોલંકીએ શું કહ્યું?
સમાધાન બાદ રાજુ સોલંકીએ સનસનીખેજ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું માત્ર એક મોહરું બન્યો હતો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને કેટલાક આગેવાનોએ મને ઉશ્કેર્યો હતો. મારો પુત્ર ભોગ બન્યો હોવાથી હું રોષમાં હતો અને તેમની વાતોમાં આવી ગયો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે આ લડાઈ દલિત સમાજની નહીં પણ ‘ગોંડલ વર્સિસ રીબડા’ની હતી અને રાજકીય સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક દલિત આગેવાનોએ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો અને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા પાછળનો અસલી ઉદ્દેશ્ય અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવાનો હતો, જેની માટે દલિત સમાજ અને રાજુ સોલંકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું જેલમાં ગયો પછી મને ગેરમાર્ગે દોરનારા આગેવાનો દ્વારા કોઈ સહયોગ મળ્યો ન હતો, મારા નિર્દોષ સમાજને આમાં ખેંચવામાં આવ્યો છે. હું મારા સમાજની માફી માંગું છું અને સ્પષ્ટ કરું છું કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.’
આપણ વાંચો: ચૈતર વસાવાએ ભરૂચના કલેક્ટર પાસે 75 લાખ માગી તોડ કર્યો ? કલેક્ટરે શું કહ્યું ?



