સોશિયલ મીડિયા પરની રીલ જોઈને વેપારીએ ગુમાવ્યા ₹1.01 કરોડ! શેરબજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડનો શિકાર

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧ કરોડ અને ૧ લાખની જંગી રકમની સાયબર છેતરપિંડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આકર્ષક રીલ્સ જોઈને શરૂ થયેલા સંપર્કના પગલે વેપારીએ જુદા જુદા બેંક ખાતાઓમાં આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર રીલ જોઈને ફસાયા
ગોંડલના ભોજરાજ પરા સોસાયટીમાં રહેતા ચંન્દ્રકાંતભાઈ સખિયા (ઉં.વ. ૫૯) ચોરડી દરવાજા પાસે “સૂરજ મેડીકલ સ્ટોર” ચલાવે છે. તેમની ફરિયાદ મુજબ, આ વર્ષે જૂન મહિનામાં તેઓ સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની રીલ્સ જોઈ રહ્યા હતા. આ રીલ્સની નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી તેઓ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા, જ્યાં IPO (આઈ.પી.ઓ.) માં રોકાણ કરવાથી થતા ફાયદાની ચર્ચા થતી હતી.
કંપનીના એક્ઝિક્યુટિવ અને ઓફિસરની ખોટી ઓળખ
ગ્રુપમાં વધુ માહિતી માટે ક્રિતિકા જોશી નામની મહિલા સાથે સંપર્ક કરવા જણાવાયું હતું. ચંન્દ્રકાંતભાઈએ ૨૫/૦૬/૨૦૨૫ના રોજ ક્રિતિકા જોશીનો સંપર્ક કરતાં, તેમણે FYERS નામની કંપનીના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપી એક લિંક મોકલી હતી. આ લિંક પર ક્લિક કરીને વેપારીએ પોતાના તમામ અંગત દસ્તાવેજોની વિગતો સાથે ફોર્મ સબમિટ કર્યું હતું. ત્યારબાદ તેમને નવા ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં પોતાને મોટો નફો થતો હોવાના મેસેજ જોઈને ચંન્દ્રકાંતભાઈને લાલચ જાગી અને તેમણે રોકાણ ચાલુ કર્યું હતું.
લોભામણી સ્કીમો આપી એક કરોડ પડાવ્યા
ક્રિતિકા જોશીએ અલગ-અલગ બેંક ખાતા આપી પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું. આ ઉપરાંત, રાજીવ મહેતા નામના વ્યક્તિએ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે ઓળખ આપી રોકાણ બાબતે દિલાસો અને લોભામણી સ્કીમો આપી. રાજીવ મહેતાએ પૈસા ન ભરવાથી ક્રેડિટ ઓછી થવા અને ભવિષ્યમાં IPO નહીં લાગવાની ધમકી આપી વધુ રોકાણ કરવા મજબૂર કર્યા હતા. અન્ય એક વ્યક્તિ દીપક ખુરાનાએ પણ પોતે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપનો ઇન્વેસ્ટર હોવાનું કહી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, ક્રિતિકા જોશી, રાજીવ મહેતા અને દિપક ખુરાના નામના અજાણ્યા શખ્સોએ મેડિકલ સ્ટોરના વેપારી ચંદ્રકાંતભાઈ સખિયાને લોભામણી અને આકર્ષક સ્કીમો આપી, તેમના તથા તેમના પત્ની દક્ષાબેનના બેંક ખાતામાંથી યુપીઆઈ અને આરટીજીએસ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ રૂ. ૧,૦૧,૦૦,૦૦૦/- (એક કરોડ એક લાખ પૂરા) ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી. પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતાં વેપારીએ સ્ટેટ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ રેન્જ સાયબર પોલીસે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટની કલમ 66-C,66-D હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…સુરત સાયબર ફ્રોડમાં મોટો ખુલાસોઃ મુખ્ય આરોપીઓ બેંકના પૂર્વ કર્મચારી, થાઈલેન્ડની મહિલાનું નામ ખૂલ્યું