અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રીમે ફગાવી, હાઇ કોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખ્યો | મુંબઈ સમાચાર
ગોંડલ

અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રીમે ફગાવી, હાઇ કોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખ્યો

ગોંડલઃ રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ન હતી. દેશની સર્વોચ્ચ અદાલતે પણ ગુજરાત હાઇ કોર્ટના આદેશને યથાવત રાખતા હવે તેમનો જેલવાસ નિશ્ચિત છે. હાઇ કોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.

જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે. તેથી નજીકના દિવસોમાં અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જૂનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઇ શકશે.

આપણ વાંચો: સુરતમાં કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જની બેચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી.

અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઇ કોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી દેવામાં આવ્યો હતો અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો.

આપણ વાંચો: રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહની કેરળથી ધરપકડ, અમદાવાદ લાવવામાં આવ્યો

આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ પછી તેમને વર્ષ 2018માં સજામાફી મળતાં જેલમાંથી મુક્ત થયા હતા, જોકે આ સજામાફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પૌત્રએ કરેલી અરજી અંગે ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઇ કોર્ટ દ્વારા ગેરકાયદે ઠરાવી એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો, જે હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button