અમિત ખૂંટ કેસઃ રાજદીપસિંહ જાડેજાની વધી મુશ્કેલી, દિવાળી બાદ થઈ શકે છે ધરપકડ | મુંબઈ સમાચાર
ગોંડલ

અમિત ખૂંટ કેસઃ રાજદીપસિંહ જાડેજાની વધી મુશ્કેલી, દિવાળી બાદ થઈ શકે છે ધરપકડ

ગોંડલ: રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમને મોટો ઝટકો લાગ્યો હતો.

ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ રાજદીપસિંહ જાડેજાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા હવે રાજદીપસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને તેમને જેલની હવા ખાવી પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડની પૂરી શક્યતા છે. આ ચુકાદાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ન્યાયની આશા સેવી રહેલા પરિવારને મોટી રાહત મળી છે.

આપણ વાંચો: અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈ કોર્ટે આપ્યો ઝટકો, જાણો વિગત

આ કેસની શરૂઆત સાવરકુંડલાની એક 17 વર્ષની સગીરાના આરોપથી થઈ હતી. સગીરાએ અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, મોડેલિંગ દરમિયાન તેને રીબડા ગામના અમિત ખૂંટ સાથે પરિચય થયો હતો.

આ દરમિયાન અમિત ખૂંટે તેને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટનાસ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં અમિત ખૂંટે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે લખ્યું હતું કે, માર આ પગલાં પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી.આ સ્યુસાઇડ નોટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રાજદીપસિંહ જાડેજા આરોપી બન્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button