ગોંડલ

“ગણેશભાઈની બહાર આવવાની તૈયારી છે” રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે કર્યો દાવો; video viral

ગોંડલ: ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વીડિયો ઉતારવાના કેસમાં જેલમાં બંધ છે. જો કે આ દરમિયાન ગોંડલના દેવળા ગામે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની સામે ગુનો દાખલ

વાયરલ થઈ રહેલા વિડીયોમાં અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે, “ધારાસભ્ય કાંઈ ઘટે નહીં એવા છે. ગણેશભાઈ આપણી વચ્ચે કામ કરે છે. ગણેશભાઈની તૈયારી છે. આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. આપણા તાલુકા અને ગામમાં એકતા વધે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે.” હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગોંડલનાં ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જુનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વીડિયો ઉતારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે પોલીસે આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી. ત્યારથી ગણેશ જાડેજા જેલમાં બંધ છે. બીજી તરફ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં બંધ છે. તેમના વિરૂદ્ધ GUJCTOKનો ગુનો દાખલ થયેલો છે. તે વચ્ચે અલ્પેશભાઈએ ગત તારીખ 14/8/2024ના રોજ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button