વેરાવળમાં મોડી રાત્રે આ કારણે થઈ બબાલઃ એકનું મોત, પોલીસ તપાસ શરૂ…

ગીર સોમનાથઃ નાઘેડ પંથકના વેરાવળમાં બે જૂથ વચ્ચેની અથડામણ હિંસક બની હતી અને એકનું મોત નિપજ્યું હતું. સુપારી ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીમાં એકનો જીવ ગયો હોવાની ખબર મળી છે. આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને મામલો હાલપૂરતો શાંત પડ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
સુપારી ગામમાં થયેલી આ અથડામણનું કારણ પૈસાની લેતીદેતી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને ધ્યાનમાં લઈ સતર્ક બનેલી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. જોકે આ મામલે એક જણે જીવ ગુમવવાનો વારો આવ્યો છે. બે જૂથ વચ્ચે વાતચીતમાં હથિયાર સાથે આવેલા અમુક લોકોએ યુવાનની પીઠ પર છરીના ઘા કર્યા હતા.
આ સમગ્ર ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો છે અને તેની સ્થિતિ સુધારા પર છે,તો પોલીસે આ ઘટનામાં કુલ 4 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને વધુ તપાસ હાથધરી છે. હાલ ગામમાં શાંતિનો માહોલ છે અને પોલીસ અન્ય લોકોના પણ નિવેદન લઈ રહી છે.
મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. ત્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે તજવીજ હાથધરી છે. આ ઘટના બનતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આસપાસ જે સીસીટીવી છે તેના દ્વારા પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં માહોલ શાંત હોવાનું જાણવા મળ્યું છે.