ગીર સોમનાથમાં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાનું અપહરણ કરી તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવાના સનસનાટીપૂર્ણ બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બે મુખ્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે પોલીસે સ્ત્રી અત્યાચારના ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘટના અને કાર્યવાહી
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૭૦(૧), ૧૭૩(૨) મુજબ ગુનો નોંધાતા જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓએ સાતેક દિવસ પહેલા ભોગ બનનાર મહિલાનું મોટર સાયકલ પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને કંઈક સુંઘાડીને બેભાન કરીને ઘરે લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી હતી. પો. હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પુંજાભાઈ બાંભણીયા અને પો. કોન્સ્ટેબલ સંદીપસિંહ વલ્લભભાઈ ઝણકાંટ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મેળવી આરોપીઓને તેમના આશ્રયસ્થાનેથી ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓ:
આ ગુનામાં નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળીયો દેવચંદભાઈ બારીયા (રહે. નવાબંદર) અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબુતર દેવશીભાઈ મજેઠીયા (રહે. નવાબંદર, મૂળ રહે. કાળાપાણ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પકડાયેલા બંને આરોપીઓની રાઉન્ડ અપ કરીને ગુનાની વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે.