દર્દીના જીવ બચાવનારો નર્સ જ બન્યો ‘સીરિયલ કિલર’: વેરાવળમાં ઝેરી ઇન્જેક્શનથી પાંચ મહિનામાં કર્યા બે મર્ડર

ગીર સોમનાથ: ગુજરાતના વેરાવળ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. લૂંટના ઇરાદે એક મેલ નર્સે પાંચ મહિનાના ગાળામાં બે લોકોની હત્યા કરી હતી. આરોપી મેલ નર્સ લોકોને ઇન્જેક્શન આપીને બેહોશ કરતો અને પછી તેમનો શ્વાસ રૂંધીને હત્યા કરતો હતો. જો તે પકડાયો ન હોત, તો પોલીસને તે સીરિયલ કિલર બની શકે તેવી આશંકા હતી.
હત્યા માટે આવી હતી મોડસ ઓપરેન્ડી
આ હત્યાઓ માટે આરોપીએ કોઈ હથિયારનો નહીં, પરંતુ દર્દીનો જીવ બચાવવા માટે વપરાતી દવાઓ અને ઇન્જેક્શનને હથિયાર બનાવ્યા હતા. આ મામૂલી દેખાતા ‘ઇન્જેક્શન કિલર’ની ધરપકડથી પોલીસ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આરોપીએ પ્રથમ હત્યા 11 નવેમ્બર, 2025ના રોજ કરી હતી. હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે પરિવાર ઘરે પહોંચ્યો, ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને અંદર બેડ પર ભાવનાબેનની લાશ હતી.
ઘટનાસ્થળે બહારથી બંધ તાળું અને બેડ પર ઇન્જેક્શન લગાવતી વખતે નીકળેલા હોય તેવા લોહીના નાના ટીપાં જોવા મળ્યા હતા. પોસ્ટ મોકર્ટમ રિપોર્ટમાં ભાવનાના શરીરમાં ઝેર હોવાની અને હાથ પર ઇન્જેક્શનના નિશાન હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, મૃત્યુનું તાત્કાલિક કારણ શ્વાસ રૂંધાવું જણાવાયું હતું.
પોલીસ તપાસમાં 24 વર્ષીય મેલ નર્સ શ્યામ નાથાભાઈ ચૌહાણનું નામ સામે આવ્યું હતું. ભાવનાબેન થાઇરોઇડની ફરિયાદને કારણે શ્યામને ક્યારેક બ્લડ સેમ્પલ લેવા બોલાવતા હતા. શ્યામની નજર ભાવનાબેનના સોનાના દાગીના પર હતી. 11 નવેમ્બરે જ્યારે ઘરમાં કોઈ નહોતું, ત્યારે શ્યામે થાઇરોઇડમાં રાહત આપવાના બહાને ભાવનાબેનને એનેસ્થેસિયાનો હેવી ડોઝ આપ્યો હતો, જેનાથી તેઓ બેહોશ થઈ ગયાં. ત્યારબાદ ભીના કપડાથી તેમનો શ્વાસ રૂંધીને જીવ લીધો, દાગીના લૂંટ્યા અને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો.
મિત્રને આ રીતે ઉતાર્યો હતો મોતને ઘાટ
પોલીસની કડક પૂછપરછમાં શ્યામે કબૂલ્યું કે તેણે ભાવનાબેનની હત્યા કરતાં લગભગ 5 મહિના પહેલાં તેના મિત્ર અભિષેકની પણ લૂંટના ઇરાદે હત્યા કરી હતી. જુલાઈ મહિનામાં જ્યારે અભિષેક પગના દુખાવાને કારણે ઘરે એકલો હતો, ત્યારે શ્યામે તેને દવા આપવાના બહાને સોડામાં મોર્ફિનની 8 ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. અભિષેક અર્ધ-બેહોશીમાં જતાં, શ્યામે ઓશિકાથી તેનો શ્વાસ રૂંધીને હત્યા કરી અને તેની સોનાની વીંટી તથા ₹20 હજાર રોકડા લૂંટી લીધા. લૂંટના આ પૈસામાંથી તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે મંગળસૂત્ર પણ બનાવડાવ્યું હતું.
પોલીસ હાલમાં શ્યામને મોટી માત્રામાં એનેસ્થેસિયા અને ઊંઘની દવાઓ ક્યાંથી મળતી હતી, તે અંગેની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે તેની અનોખી મોડસ ઓપરેન્ડી જોતા, જો તે વહેલો પકડાયો ન હોત તો તે વધુ હત્યાઓ કરી ‘સીરિયલ કિલર’ બની ગયો હોત.
આપણ વાંચો: વકીલો માટે મહત્ત્વના સમાચાર: ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આ તારીખે યોજાશે



