સોમનાથ કોરિડોર વિવાદ વકર્યો: અસરગ્રસ્તોએ ‘મકાનના ભોગે કોરિડોર નથી જોઈતો’ના નારા લગાવ્યા…

ગીર સોમનાથઃ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.પ્રભાસ પાટણ સોમનાથ મંદિરનો કોરિડોર બનાવી વિકાસ કરવાનો વિશાળ પ્રોજેક્ટ આગામી દિવસોમાં આવશે. જેના અનુસંધાને 384 મકાનો સંપાદિત થશે.
પરંતુ આ અંગે સંપાદિત થનાર મકાનો અને ગેસ્ટ હાઉસ ની વળતરરૂપે મળનારી રકમ નક્કી થયા વગર સરકારી તંત્રના કર્મચારીઓ 384 અસરગ્રસ્તો ને ઘેર ઘેર ફરી ડોક્યુમેન્ટ માંગવા બેંક ખાતાની પાસબુક પાનકાર્ડ આધારકાર્ડ કોપી માંગવાનું શરૂ કરતાં લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ અમારે મકાનના ભોગે કોરિડોર નથી જોઈતો અને કોરિડોર હાય હાયના નારા લગાવ્યા હતા. એક મહિલાએ બસ કરો બસ કરો હવે બસ કરો લોકોને હેરાન કરવાનું બસ કરો નારાબાજી કરી હતી.
લોકોને બેઘર કરીને કોરિડોર બનાવવા માટે સરકારને શરમ આવવી જોઈએ
રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું, જ્યારે કોઈ નહોતું ત્યારે અમારા પૂર્વજોએ આ મંદિરની પૂજા કરી હતી. આટલા લોકોને બેઘર કરીને કોરિડોર બનાવવા માટે સરકારને શરમ આવવી જોઈએ. કોર્ટની જોગવાઈ છે કે જેની પાસે પરિસર હોય તેને કોરિડોર બનવાની જરૂર નથી.
એક ઈંચ જમીન પણ આપવી નથી
આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું, હજુ નોટિસ આપી જ નથી. મૌખિક જ કહેવા આવે છે કે તમારે ફોર્મ ભરવાનું છે. અમે કહીએ કે અમારે નથી ભરવું તો કહે છે કે ભરવું જ પડશે. તલાટી ઓફિસમાંથી આવ્યા હશે, એકવાર પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો. બેવાર અધિકારીઓ ઘરે આવ્યા હતા.
કોરિડોરમાં મારી જમીન તો શું એક ઈંચ જમીન પણ આપવી નથી. મારી માગણી છે કે મારો પ્રાણ લઈ લે કે મારી જમીન લઈ લે. બેમાંથી એક વસ્તુ છે. મને મારી નાખે એ મને મંજૂર છે, પણ જમીન નથી દેવી.
કોરિડોરથી અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને આગોતરી કોઈ જાણ કે નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ સંપાદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનો વિરોધ જોતાં આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય એવી શક્યતા છે.
કોરિડોરની ગતિવિધિ તેજ બની
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કોરિડોર અંગે આજદિન સુધી કોઈ પારદર્શક વિગતો સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. કોરિડોરનો પ્રાથમિક પ્લાન આયોજન આ તમામ બાબતો જાહેર જનતાથી યેન કેન પ્રકારેણ છુપાવવામાં આવી રહી છે. છેલ્લા આઠેક માસથી કોરિડોરની ગતિવિધિ તેજ બની છે અને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે.
શું છે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ
સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ એ ગુજરાત સરકાર દ્વારા સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટેનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેનો મુખ્ય ઉદ્દેશ કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈન મહાકાલ લોકની જેમ જ સોમનાથને એક ભવ્ય યાત્રાધામ તરીકે વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધારવા, મંદિરના પરિસરને વિસ્તૃત કરવા અને સમગ્ર વિસ્તારનું બ્યુટિફિકેશન કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ: પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ…