શ્રાવણ મહિનામાં વિશ્વના 50થી વધુ દેશોના 18.32 કરોડ ભકતોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કર્યા

સોમનાથઃ શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળો ઉમટ્યા હતા. 50થી વધુ દેશોના 18.32 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના ઓનલાઇન દર્શન કર્યા હતા.
શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના રૂબરુ દર્શન માટે પધાર્યા હતા. જ્યારે 20 હજારથી વધુ સિનિયર સિટિઝનને ટ્રસ્ટની સહાયથી દર્શન કરાવાયા હતા.
આપણ વાંચો: શ્રાવણ મહિનામાં પરસેવાથી રેબઝેબ થયા કચ્છવાસીઓઃ અંગ દઝાડે તેવી ગરમી
800 થી વધુ ધ્વજારોહણ થઈ
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 800 થી વધુ ધ્વજારોહણ, 1200 જેટલી સોમેશ્વર મહાપૂજન, 9797 રૂદ્રાભિષેક, સહિતની પૂજાવિધિ સાથે શ્રદ્ધાળુ પરીવારો ધન્ય બન્યા હતા.
આ પવિત્ર માસ દરમિયાન સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત હજારો પરિવારોએ મહામૃત્યુંજય યજ્ઞમાં ભાગ લઇ ધન્ય બન્ય હતા. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 2.75 લાખ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો
જન્માષ્ટમી પર ઉમટી જનમેદની
સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવાર, પૂનમ, માસિક શિવરાત્રિ, અમાસ દરમ્યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી. જન્માષ્ટમી પર શ્રાવણની સર્વાધિક 1.73 લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પૂજનમાં જ્યોત પૂજન, મહાપૂજા, મહાઆરતીમાં ભાવિકોની વિશેષ હાજરી નોંધાઈ હતી.