ડાંગ, ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ: આહવામાં 7 ઇંચથી વધુ, રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદી માહોલ

અમદાવાદ: હાલ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કરી છે ત્યારે આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. ડાંગના આહવામાં 7.17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આહવામાં 7.17 ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડ્યો હતો. આહવામાં 7.17 ઇંચ, વઘઇમાં 5.16 ઇંચ, સુબીરમાં 4.56 ઇંચ પડ્યો હતો. વલસાડના કપરાડામાં 3.62 ઇંચ, ધરમપુર 3.43 ઇંચ, વાપીમાં 2.52 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં પણ વરસાદ ખબક્યો હતો. વાંસદામાં 3.54 ઇંચ, ખેરગામમાં 2.91 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 11 હાઈવે સહિત 189 માર્ગો બંધ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં પડેલા સાંબેલધાર વરસાદ બાદ આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પાટણ-વેરાવળમાં 3.93 ઇંચ, સુત્રાપાડામાં 2.95 ઇંચ, કોડિનારમાં 2.64 ઇંચ, ગીર ગઢડામાં 2.32 ઇંચ અને ઉનામાં 1.81 ઇંચ વરસાદ પડ્યો હતો. નર્મદાનાં સાગબારામાં 2.76 ઇંચ, તાપીના નિઝારમાં 2.36 ઇંચ, પંચમહાલના મોરવાહડફમાં 1.85 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
આગામી 6 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી
હાલ રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.