ગીર સોમનાથ

સિંહોના સંરક્ષણ માટે રેલવે બની સતર્કઃ અઠવાડિયામાં આઠ સિંહને બચાવાયા

અમરેલી: રેલવે લાઇન પર સિંહોના મોત થવાની ઘટનાઓને લઈને હાઇકોર્ટે ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ત્યારબાદ હવે રેલવે વિભાગ દ્વારા પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલોટ્સ પણ એલર્ટ મોડમાં છે. છેલ્લા સપ્તાહમાં પીપાવાવ બંદર તરફની રેલવે લાઇનમાં ખાસ તકેદારી રાખીને આઠ જેટલા સિંહોના જીવને બચાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી

અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગીર રેન્જમાં રેલવેની અડફેટે આવવાથી સિંહોના મોત થવાની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે અને જેમાં ગુજરાતના ગૌરવ સમાન અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. ગીર પૂર્વ અને શેત્રુંજી વન વિભાગના સાવરકુંડલા અને લીલીયા રેન્જમાં આવી ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી છે. પીપાવાવ બંદરને જોડનાર રેલવે લાઇન સિંહો અને અન્ય વન્યપ્રાણીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. જંગલી પ્રાણીઓના વસવાટના વિસ્તારમાંથી માલગાડીઓની અવરજવરને કારણે મોટી સંખ્યામાં વન્ય જીવો ટ્રેનોની અડફેટે આવે છે.

ભાવનગર ડિવિઝનના સતાધીશોના નિવેદનમાં જણાવ્યું છે કે, સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષા માટે ભાવનગર રેલવે ડિવિઝન સતત પ્રયત્નશીલ છે. ડિવિઝનની સૂચના મુજબ, ટ્રેન ચલાવતા લોકો પાઇલોટ્સે, ઝડપ મર્યાદાની માર્ગદર્શિકાનું પાલન કરીને અને સાવચેતી સાથે ડ્રાઇવિંગ કરીને છેલ્લા એક સપ્તાહમાં ટ્રેક પરના 8 સિંહો અને એપ્રિલથી અત્યાર સુધીમાં 42 સિંહોના જીવ બચાવ્યા છે.

આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં ટ્રેન અકસ્માતોથી સિંહોના મોત મામલે હાઈકોર્ટ લાલઘુમ, રેલ્વે વિભાગને લગાવી ફટકાર

હાલમાં જ 16 ઓગસ્ટના રોજ ગઢડા-સાવરકુંડલા સેક્શન પર સિંહ જોવા મળતા લોકો પાલયટે ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવી હતી. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. તે સિવાય 15 ઓગસ્ટના રોજ લીલીયા મોટા-દામનગર સેક્શન વચ્ચે સિંહ હોવાથી ફૉરેસ્ટર અધિકારી દ્વારા રેડ લાઇટનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. ટ્રેન ઉભી રહી ત્યાંથી લગભગ 100 મીટર દૂર રેલવે ટ્રેક ઓળંગી ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button