હસતાં મોઢે દીકરાનું દાન; ગીર ગઢડામાં રબારી સમાજે વડવાળા દેવને અર્પણ કર્યો દીકરો…

ઊના: આપણે ત્યાં મંદિરમાં શ્રીફળથી લઈને સોના, ચાંદીના ઘરેણાં, સુવર્ણ કળશ ચઢાવવાની માનતાઓ રાખવામાં આવે છે. આપણે તેવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે કે જેમાં લોકોએ મંદિરને નાણાં કે આવું કોઈ મોટું દાન કર્યું હોય પરંતુ શું તમે ક્યારેય માની શકો કે દીકરાનું જ મંદિરમાં દાન કરવામાં આવ્યું હોય? જી ગુજરાતની એક એવી પરંપરા છે કે જ્યાં માનતામાં દીકરાનું જ દાન કરવામાં આવે છે.
Also read : પ્રેમિકાએ કહ્યું કે વાઘના પાંજરમાં કૂદ ને યુવાન કૂદી ગયોઃ અમદાવાદની ઘટના

ગીર ગઢડા તાલુકામાં થયું દીકરાનું દાન
તાજેતરમાં જ ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે રહેતા રબારી સમાજના બાબુભાઈ લુણીએ તેમના દિકરાનુ દૂધરેજની જગ્યામાં દાન કર્યું છે. દીકરાના દાનનો ભવ્ય કાર્યક્રમ રાખીને દુધરેજ વડવાળા ધામના મહંત મહામંડલેશ્વર કણીરામબાપુનું વાજતે-ગાજતે સામૈયું કરી બાળકનાં માતા પિતાએ હસતાં મોઢે પોતાનાં પુત્રને મહંતનાં ચરણે ધરી અર્પણ કર્યો હતો. મોટાભાગે સંતાન ન હોય તે દંપતી વડવાળા દેવની માનતા રાખે છે, ત્યારબાદ સંતાનની પ્રાપ્તિ બાદ એક સંતાનને જગ્યામાં અર્પણ કરવામાં આવે છે.
શું કહ્યું બાળકની માતાએ?
આ તકે બાળકની માતા દયાબેન લૂણીએ જણાવ્યું હતું કે મારી કૂખે દિકરો જન્મ લેશે તો અમે દિકરાને મહામંડલેશ્વર કણીરામબાપુને દુધરેજ વડવાળાની જગ્યામાં અર્પણ કરવાનુ નક્કી કર્યું હતું. આજે અઢી વર્ષ બાદ ધામધૂમથી બાળ સંત દેવેન્દ્ર દાસને અર્પણ કરવામાં આવ્યું છે તેની ખુશી અમારાં પરીવારમાં જોઈ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે દિકરાનો જન્મ થયો તે સમયે જ કણીરામબાપુ દ્વારા બાળકનુ નામકરર્ણ કરવામાં આવ્યું હતું.
બાળકની અર્પણ વિધિ વખતે સમગ્ર બેડીયા ગામે મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો તેમજ બાબુભાઈ લુણીનાં પરીવારજનો બેડીયા ગામનાં લોકો રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને દીકરાને અર્પણ કરવાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો.
વડવાળા દેવમાં અતૂટ શ્રદ્ધા

સૌરાષ્ટ્રનું તળ એ સંતોની દિવ્ય પરંપરાઓ સાથે જોડાયેલું છે. અહીની સંત પરંપરાની આગવી લાક્ષણિકતા છે. ગુજરાતના રબારી સમાજમાં વડવાળા દેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં મોટી જગ્યા આવેલી છે, તે ઉપરાંત મુળી નજીકના દૂધઈની વડવાળા દેવની જગ્યા અને વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં આવેલી આપા જાલાની જગ્યામાં પણ દીકરાના દાનની પરંપરા છે. આ ત્રણે જગ્યાઓમાં રબારી સમાજની અતૂટ આસ્થા જોડાયેલી છે.
Also read : Narendra Modi Stadium માં વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે, ટિકિટ ખરીદવા લોકોની ભારે ભીડ
દીકરાના દાનની વર્ષો જુની પરંપરા

રબારી સમાજમાં દીકરાના દાનની પરંપરા વર્ષો જુની છે. આ પરંપરાના મૂળ સુરેન્દ્રનગરના દૂધરેજ ગામને માનવામાં આવે છે. રબારી સમાજે વડવાળા દેવ એટલે કે મૂળ તો ભગવાન શ્રી રામને સમર્પિત જગ્યાની સેવા માટે બાળકો દાનમાં આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ દૂધઇમાં પણ વડવાળા દેવની જગ્યામાં આ પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.