પ્રભાસ-પાટણમાં ગેરકાયદે દબાણો હટાવતા સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

અમદાવાદઃ ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ગેરકાયદે દબાણો તોડતી વખતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બે પોલીસકર્મીને ઈજા થઈ હોવાના અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલા આ ડિમોલિશન દરમિયાન એક દરગાહને પણ તોડવામાં આવી રહી હતી, તે સમયે સ્થાનિકોના ટોળાએ તેનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા અને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા તેમ જ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઝપાઝપીના બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. જ્યારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં 17 વિરોધી નામજોગ અને 100 જણના ટોળા સામે ગુનો નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ કોમ્બિંગ શરૂ કર્યું હતું. ટોળામાંના મોટાભાગના લોકો નાસી છૂટ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણને હટાવવાની કાર્યવાહી ચાલુ રહેશે.



