બે લાંચિયા અધિકારીઓ પર તવાઈ; ગીર સોમનાથમાં એક લાખની લાંચ લેતો અધિકારી ઝબ્બે

અમદાવાદ: ગુજરાતમાં બે લાંચિયા અધિકારી સામે તવાઈ બોલાવવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઈણાજની એસ.એલ.આર. કચેરી ખાતે સિનીયર સર્વેયર તરીકે ફરજ બજાવતા રાવતભાઈ રામભાઈ સિસોદીયાને એસીબીએ ૧ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા.
ગીર સોમનાથનો સિનીયર સર્વેયર ઝડપાયો
મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઈણાજની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી અને તે અરજીને મંજૂર કરાવવા માટે આરોપી સિનીયર સર્વેયરે અરજદાર પાસેથી રૂપિયા 1,50,000ની લાંચની માગણી કરી હતી. જો કે આ બાબતે રકઝકના અંતે આરોપી અધિકારી રાવત સિસોદિયાએ 1,30,000 રૂપિયામાં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. તે પૈકીના ૧ લાખ રૂપિયા આજે ફરિયાદી પાસે મગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: એસીબીની કાર્યવાહી, અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ 15 લાખની લાંચ લેતા ઝડપાયા
એસીબીએ ગોઠવ્યું હતું છટકું
જો કે ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય આથી તેમણે ગીર સોમનાથની ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન આરોપી રાવત સિસોદિયાને સ્થળ પરથી લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો.
નવસારીથી પણ ઝડપાયો એક અધિકારી
તે ઉપરાંત એસીબીએ નવસારીમાં મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ખાતે આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ તરીકે ફરજ બજાવતા દિપકકુમાર ત્રિભુવનભાઈ ચૌહાણને રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.