‘ટાઈગર ડે’ના વાઘ નહીં પણ એકસાથે 14 સાવજની સવારી નીકળી, તસવીરો વાયરલ

ગીર સોમનાથઃ લોકોમાં વાઘનાના સંવર્ધનને લઈને જાગરૂતા આવે એ માટે દર વર્ષે 29મી જુલાઈના વર્લ્ડ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે. ટાઈગર ડેના દિવસે વાઘ નહીં પણ સાવજનો વીડિયો અને તસવીર વાયરલ થઈ હતી. ગીર તથા ગીરકાંઠાના વિસ્તારમાં વિહરતા એશિયાટિક સિંહોના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 14 સિંહ રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. રસ્તા પર ફરતા સિંહોમાંથી પાંચ પુખ્ત છે, જ્યારે નવ નાના બચ્ચાં છે. ગીરના સિંહોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે શિકારની શોધમાં આ ટોળું નીકળ્યું હતું. જોકે, વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે આ ટોળું આરામથી ફરવા નીકળ્યું હતું. સિંહ ભૂખ્યા હોત તો રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પર હુમલો કરી શક્યા હોત, પરંતુ તેમણે એવું કંઈ કર્યું નહીં. રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોએ સિંહોના ટોળાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
વાયરલ વીડિયો સોમનાથ જિલ્લાના ગીર-ગઢડાનો છે. સોશિયલ મીડિયા પર તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મે 2025માં આયોજિત 16મી વસ્તી ગણતરી મુજબ, ગુજરાતના ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા 891 છે. તેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચાં શામેલ છે. ભારતમાં સૌથી વધુ સિંહ ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલો છે. ભારતમાં સિંહોની આ એકમાત્ર કુદરતી વસ્તી છે.
આપણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પરના વધુ 3 પુલ કરાયા બંધ, વૈકલ્પિક રસ્તા જાહેર!
ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા અભયારણ્યમાં ત્રણ સિંહ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમની વસ્તી વધી નહીં અને તેઓ લુપ્ત થઈ ગયા. જ્યારે, મધ્ય પ્રદેશના કુનોમાં પણ સિંહોને વસાવવાની વાત ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી આ યોજના સફળ થઈ શકી નથી. માનવ-પ્રાણી સંઘર્ષનો ખતરો અને અનુકૂળ વાતાવરણ ન હોવું તેમાં સૌથી મોટી સમસ્યા છે.