પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન, 5000 ચોરસ મીટર જમીન કરી દબાણમુક્ત

ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં રહેણાક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી માટે 7 JCB મશીન, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ કે વિરોધ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર 1 ડીવાયએસપી, 2 પી.આઈ, 4 પી.એસ.આઈ ઉપરાંત 82 પોલીસજવાન તહેનાત હતા. આ સાથે 10 ટીઆરબી જવાનો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટુકડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
જીએસઆરટીસીને ફાળવવામાં આવેલી 1300 ચોરસ મીટર જમીન દબાણમુક્ત થઈ
આ કાર્યવાહીના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની 1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
આપણ વાંચો: સુરતના પિતા-પુત્રીનાં હિમાલયમાંથી મળ્યા મૃતદેહ, જાણો શું બની કરૂણાંતિકા ?



