શ્રાવણના અંતિમ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિવભક્તિમાં થયા લીન, સોમનાથ દાદાના કર્યા દર્શન | મુંબઈ સમાચાર
ગીર સોમનાથ

શ્રાવણના અંતિમ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિવભક્તિમાં થયા લીન, સોમનાથ દાદાના કર્યા દર્શન

સોમનાથઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્ય પ્રધાને દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.

લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ કરાવ્યો

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો. વડા પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ “પોષણ ભી પઢાઈ ભી”નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડા પ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ૧ કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૨૮ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવેલા આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે. એટલું જ નહીં, પર્યાવરણ જાળવણીના વડા પ્રધાનના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

શ્રાવણના દરેક સોમવારે મુખ્ય પ્રધાને કર્યા મહાદેવના દર્શન

મુખ્ય પ્રધાને આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન તેમણે કર્યા હતા.

આપણ વાંચો:  આસારામની હાલત ગંભીરઃ અમદાવાદ સિવિલમાં ચેક અપ માટે લવાયા

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button