સિંહોની સંખ્યા જ એટલી છે કે જંગલ પડે છે નાનુંઃ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જવાનું આ છે કારણ…

અમદાવાદઃ ગુજરાતમાં ગીરને એશિયાઈ સિંહોનું ઘર માનવામાં આવે છે. આજે સિંહ માત્ર ગીર પૂરતા જ મર્યાદીત નથી રહ્યા. ગીરની આસપાસના વિસ્તારો અમરેલી, ભાવનગર અને ચોટીલા સુધી પહોંચી ગયા છે. 2025માં થનારી સિંહોની વસ્તી ગણતરીને હવે થોડા સપ્તાહની વાર છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે 10 થી 13 મે સિંહોની વસ્તી ગણતરી થશે. આ આંકડો 900ને સ્પર્શી શકે છે. ગણતરીનો અંતિમ આંકડો જૂનમાં જાહેર થશે. વન અધિકારીઓના કહેવા મુજબ, સિંહોએ ગીર સિવાય અનેક જગ્યાએ તેમના રહેઠાણ બનાવ્યા છે. તેથી બિનસત્તાવાર અંદાજ 1400 થી 1500ની વચ્ચે હોઈ શકે છે.
આ પણ વાંચો : જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!
2020ની વસ્તી ગણતરીમાં કેટલા સિંહ નોંધાયા હતા

2020ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 674 સિંહ નોંધાયા હતા. રાજ્યના વિન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આંતરિક ગણતરીમાં સિંહ સતત વધુ સંખ્યામાં જોવા મળે છે. 2020માં 674 સિંહ સત્તાવાર રીતે નોંધાયા હતા, જોકે આંતરિક ગણતરી વખતે 1000ની આસપાસ સંખ્યા નોંધાઈ હતી.
દર પૂનમે થાય છે માસિક વસ્તી ચેક

વન અધિકારીઓ દરેક પૂર્ણિમાના દિવસે માસિક વસ્તી ચેક કરે છે. જેમાં એક વર્ષથી ઓછી ઉંમરના સિંહબાળને ઓબ્ઝર્વ તરીકે નોંધ કરવામાં આવે છે. નિષ્ણાતો મુજબ, વન વિભાગ પણ બાળ સિંહની સંખ્યા જાહેર કરવામાં ઢીલાશ દાખવે છે. કારણકે બાળ સિંહમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે. જેમકે જો ઓબ્ઝર્વેશન દરમિયાન 100 સિંહ બાળ જોવા મળે તો ગણતરીમાં માત્ર 50 ટકા જ દેખાય છે.
5 વર્ષમાં સિંહોનો રહેણાંક વિસ્તારમાં 36 ટકાનો વધારો

સિંહોના રહેણાંક વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવજ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. 2015માં તેમનો વિસ્તાર 22,000 ચોરસ કિમી હતો જે વધીને 2020માં 30000 ચોરસ કિમી થયો છે. 5 વર્ષમાં સિંહના રહેણાક વિસ્તારમાં 36 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં દીવ, જેતપુર અને રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા હતા. સોમનાથ અને દીવમાં દરિયાકિનારે સિંહના આંટાફેરાના વીડિયો વાઇરલ થયા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારોઃ પ્રોજેક્ટ લાયન માટે 415 કરોડની જોગવાઇ…
સિંહોની વસ્તી અંદાજ કરતાં ઘણી વધારે

વન્યજીવન નિષ્ણાતના કહેવા મુજબ, સિંહોની વસ્તી અંદાજ કરતાં ઘણી વધારે છે. 165 સિંહ બાળ અને પાઠડા (3-4 વર્ષના સિંહ)ના મોતના અહેવાલો અને 10 થી 15 ટકાના પ્રમાણભૂત વસ્તી મૃત્યુદરને લાગુ કરવાના આધારે સાવજની કુલ વસ્તી 1100 થી 1650 વચ્ચે હોઇ શકે છે.