હાડ થિજવતી ઠંડીમાં 1100 ચડ્યા ગરવો ગિરનાર, દસ રોકડ ઈનામ મળ્યું

અમદાવાદઃ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતી આ સ્પર્ધામાં 1115 સ્પર્ધકે ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ગિરનાર પર તો થીજી થવાય તેવું વાતવરણ હોય છે, પરંતુ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહ દાખવતા તંત્રની મહેનત લેખે લાગી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા 10 જણને સરકારે રોકડ રકમ પુરસ્કારરૂપે આપ્યા હતા અને સર્ટિફિકેટ અને ટ્રોફી પર એનાયત કરવામાં આવી હતી. સ્પર્ધામાં છોકરા અને છોકરીઓ બન્નેએ હોશેહોશે ભાગ લીધો હતો.
આ સ્પર્ધા વહેલી સવારે 7 વાગ્યા શરૂ થઈ હતી અને બપોરે 1 વાગ્યે પૂરી થઈ હતી. ભવનાથ તળેટીના સાંસ્કૃતિક મંચ પરથી સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન તથા જિલ્લાના પ્રભારી પ્રધાન ડો. પ્રદ્યુમન વાજાએ ઝંડી બતાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ભાગ લેનારા તમામે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી પ્રેક્ટિસ કરતા હતા.
આ પણ વાંચો : ગિરનારની ગોદમાં જામશે ‘મિની કુંભ’: ભવનાથ મેળાને ભવ્યાતિભવ્ય બનાવવા હર્ષ સંઘવીનો માસ્ટર પ્લાન
આ સ્પર્ધા બે ભાગમાં વહેંચાયેલી હોય છે. અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા ચડવાની સ્પર્ધા હતી, જેમાં છોકરાઓએ ભાગ લીધો હતો જ્યારે 2200 પગથિયાની સ્પર્ધામાં છોકરીઓએ ભાગ લીધો હતો. કોઈ તબીબી સેવાની જરૂર પડે તે માટે સ્ટાફ તૈયાર હતો આ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ સ્ટાફ પણ તહેનાત કરવામા આવ્યો હતો. પાણી અને એનર્જી ડિ્રંકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ગિરનાર ચઢાણની સ્પર્ધાનું આયોજન નાના પાટે સ્કૂલો કે અમુક સંસ્થાઓ પણ કરતી હોય છે.



