ગીરમાં કમોસમી વરસાદ: મોઢવાડિયા-વાજાએ ખેતરોમાં જઈ નુકસાનીનો તાગ મેળવ્યો

અમદાવાદઃ ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ડૉ.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.
પ્રધાનોએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગોઠણ સમા પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ પ્રધાનોએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.
આ પણ વાંચો : ગીર સોમનાથ, અમરેલીમાં મોડી રાતથી વરસાદ: મગફળી અને કપાસને મોટું નુકસાન
આ પણ વાંચો : ટેકાના ભાવે ખરીદીની સ્પષ્ટતા નહીં: અમરેલીના ખેડૂતો મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર
ખેડૂતોએ પ્રધાનો સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી. પ્રધાનોએખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશચૂડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી, કલેકટર સહિતના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.



