ગીર સોમનાથ પોલીસમાં ધરખમ ફેરફાર! SP જાડેજાએ 82 કર્મચારીઓની એકસાથે બદલી કરી, પોલીસ બેડામાં ખળભળાટ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા (SP) જયદીપસિંહ જાડેજાએ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરીને એક મોટો નિર્ણય લીધો છે. જાહેરહિતમાં જિલ્લાના 82 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલીઓનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ બદલીઓમાં 24 મહિલા કર્મચારીઓ સહિત કુલ 82 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જિલ્લા પોલીસ વડાના આદેશનું મુખ્ય કેન્દ્ર વેરાવળ સિટી પોલીસ સ્ટેશન રહ્યું છે, જ્યાં સૌથી મોટી બદલીની અસર જોવા મળી છે. કુલ 82 બદલીઓ પૈકી 57 કર્મચારીઓ માત્ર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના છે, જે દર્શાવે છે કે આ ફેરફાર વ્યૂહાત્મક અને વહીવટી દૃષ્ટિકોણથી ઘણો મહત્વપૂર્ણ છે. પોલીસ વડાએ થોડા દિવસ પૂર્વે જ જિલ્લાની મહત્વપૂર્ણ શાખાઓ જેવી કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG બ્રાન્ચમાં પણ મોટી સાફસૂફી કરીને મોટા પાયે બદલીઓના આદેશ આપ્યા હતા.
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા લેવાયેલા આ નિર્ણયો પોલીસ સ્ટેશનોના કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા અને વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સતત બીજી વખત આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની બદલીઓના આદેશોથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે.



