
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાનો સમુદ્ર કિનારો રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સંદર્ભે અતિ સંવેદનશીલ હોય માટે આવી પ્રવૃતિઓને રોકવા માટે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના માનવ વસાહત રહિત કુલ-૫ નિર્જન ટાપુઓ ૫ર પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડીને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાંચ ટાપુઓ-રોક(ખડક) ઉપર સહેલાણીઓ કે સ્થાનિક લોકોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ, ઘુષણખોરી તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જાહેરનામામાં જે પાંચ ટાપુ કે ખડક પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમાં સામતેર ચેક પોસ્ટ અને સૈયદ રાજપરા આઉટ પોસ્ટ નજીક આવેલા સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેંસલા રોક, સૈયદ રાજપરા રોક તેમજ કેસરિયા ચેક પોસ્ટ અને ચીખલી આઉટ પોસ્ટ નજીક આવેલા સરખડી વિસ્તારમાં રોક અને માઢવાડ ભેસલા રોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ આગામી બે મહિના સુધી એટલે કે ૨૪/૦૯/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.