ગીર-ગઢડા તાલુકામાં બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી, બે દિવસમાં ત્રીજી ઘટના

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સાસણ-ગીર, અમરેલી અને નજીકના વિસ્તારોમાં સિંહ દ્વારા શિકાર કરવાના કિસ્સા વધી રહ્યા છે. મંગળવારે અમરેલીના બગસરામાં એક પાંચ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો ત્યારે ફરી ગીર ગઢડામાં માત્ર બે વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી અને મારી નાખી હતી. જોકે મળતી માહિતી અનુસાર સિંહણ પાંજરે પુરાઈ ગઈ છે.
અહીં ગીર-ગઢડાના પીછવી ગામ નજીક જંગલની હદ પાસે રહેતા હરસુખભાઈ મકવાણાની બે વર્ષની પુત્રી આરાધ્ય ઘર પાસે જ રમી રહી હતી અને તેની માતા ભારતીબહેન બહાર વાસણ સાફ કરી રહ્યા હતા. ઘરમાં અન્ય સભ્યો પણ હતા. વાડી જંગલ વિસ્તાર પાસે જ હોવાથી અચાનક સિંહણ આવી ચડી હતી અને આરાધ્યાને ઉઠાવી ગઈ હતી. ભારતીબેને રાડારાડી કરતા પરિવારના સભ્યો સિંહણ પાછળ દોડ્યા હતા. સિંહણ બાળકીને એકાદ કિલોમીટર દૂર લઈ ગઈ હતી, પરંતુ લોકોને આવતા જોઈ મૃતદેહ મૂકી ભાગી હતી. જોકે વન વિભાગે આ સિંહણને પાંજે પૂરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: સાસણ ગીરના હાઈવે પર આવી ચઢ્યો સિંહ પરિવાર, લોકોને પણ મોજ પડી, જુઓ તસવીરો
આ સાથે અમરેલીમાં સતત બીજા દિવસે સિંહના હુમલાની ઘટના બની હતી. ખાંભાના ગીદરડી ગામની સીમમાં વાડીએ પાણી વાળતા ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગીદરડી ગામે વાડીએ મુકેશભાઈ લખુભાઈ સોલંકી (ઉ.34) નામના ખેતમજૂર પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક ખાંભાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી રિફર કરાયા હતા. મંગળવારે બગસરામાં પરપ્રાંતિય મજૂરના કનક નામના પાંચ વર્ષીય દીકરાને સિંહણે ફાડી ખાધો હતો.
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો હતો. વસ્તી ગણતરીના આંકડા મુજબ, અમરેલી જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ 339 સિંહો નોંધાયા હતા.



