ગીર જંગલમાં 250 પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા, પશુઓને મળશે રાહત

ગીર સોમનાથ: ગીર જંગલમાં બે પ્રકારના પાણીના સ્ત્રોત છે. કુદરતી પાણીના સ્ત્રોત વરસાદના પાણીથી ભરાયેલા રહે છે, જ્યારે ઉનાળામાં આ પોઈન્ટ્સ પુનઃભરવામાં આવે છે. ઉનાળાની સીઝન શરૂ થતાં જ ગીર જંગલમાં પાણીના પોઈન્ટ ભરી રહ્યા છે. કુલ 250 પાણીના પોઈન્ટ છે, જે વન વિભાગ દ્વારા કૃત્રિમ અને સૌર ઉર્જાના ઉપયોગથી ભરવામાં આવે છે. જેના કારણે જંગલી પ્રાણીઓને ઘણી રાહત મળી રહેશે. જંગલમાં રહેતા પ્રાણીઓ માટે આ ખૂબ જ સારી વ્યવસ્થા છે. કારણ કે, ઉનાળા દરમિયાન પ્રાણીઓને પાણી માટે તકલીફ પડતી હોય છે.
આ પણ વાંચો: PM મોદીની ગીર મુલાકાત બાદ પ્રવાસીઓને ગીરનું ઘેલું લાગ્યું; 20 દિવસમાં આવ્યા આટલા પ્રવાસીઓ
વન્યજીવો વધુ પાણીવાળા વિસ્તારોમાં જવાનું પસંદ કરે છેઃ વન અધિકારી
ધારી ડિવિઝનના વન અધિકારીના જણાવ્યા મુજબ, ઉનાળામાં મોટા ભાગના કેચમેન્ટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઈ જાય છે અને પાણી ભરેલા ખાડા, જેને સ્થાનિક ભાષામાં ‘ઘુના’ કહેવામાં આવે છે, તેમાં પાણીનું સ્તર ઘટે છે. ગીરના જંગલની ડ્રેનેજ પેટર્ન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન રહે છે. વન્યજીવો વધુ પાણીવાળા વિસ્તારોમાં જવાનું પસંદ કરે છે. પાણીના પોઈન્ટના ઇકોસિસ્ટમ અને વન્યપ્રાણીઓની ગતિવિધિના સંબંધને ધ્યાનમાં રાખીને તેનું વ્યવસ્થાપન મહત્વપૂર્ણ બની જાય છે. તેથી ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુમાં પાણીના પોઈન્ટનું વ્યવસ્થાપન કરવું વ્યવસ્થાપકો માટે અતિઆવશ્યક છે.
પાણીના પોઈન્ટને બે ભાગોમાં વિભાજિત કરાયા
ગીરના જંગલોમાં પાણીના પોઈન્ટ કુદરતી અને માનવસર્જિત એમ બે ભાગોમાં વિભાજિત છે. કુદરતી પાણીના પોઈન્ટ એવા હોય છે, જે બરાબર વરસાદ પડ્યો હોય તો આખું વર્ષ પાણી જમા રાખે છે, જેમ કે કુદરતી ડિપ્રેશન, નદીઓ અથવા મોટા પ્રવાહોમાં. માનવસર્જિત પાણીના પોઈન્ટ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વન્યજીવો માટે પાણી પૂરું પાડવાના હેતુથી બનાવવામાં આવે છે. ગીરના જંગલોમાં ઉનાળામાં વન્યજીવોને પૂરતું પાણી મળે તે માટે પદાધિકારીઓ દ્વારા વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ગીરમાં કુલ 618 પાણીના પોઈન્ટ છે, જેમાંથી 250 પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા છે.
પાણીના પોઈન્ટની બાજુમાં માદાણા બનાવવામાં આવ્યાં
કૃત્રિમ પાણીના પોઈન્ટ વિવિધ માધ્યમો દ્વારા ભરવામાં આવે છે, જેમાં વધુમાં વધુ સૌર અને પવન ઉર્જા જેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પ્રયાસ થાય છે. સૌર ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સ્ત્રોત છે. પાણીના પોઈન્ટની બાજુમાં માદાણા બનાવવાના પણ પ્રયત્નો કરાયા છે. સાબર અને જંગલી ભૂંડ જેવી પ્રજાતિઓ માટે આ માદાણા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે તેમના શરીરને ગરમીથી રક્ષણ આપે છે અને તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.