ગીરના ફાર્મ હાઉસમાં ચાર યુવતી સહિત 11 લોકો દારૂપાર્ટી કરતાં ઝડપાયાઃ 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત
ઝડપાયેલા લોકોઅમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનના

જૂનાગઢઃ ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી જ હોય તેમ સમયાતંરે દારૂ પાર્ટી પકડાતી રહે છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો હતો. ગીર પંથકમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડી ચાર યુવતીઓ સહિત 11 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને રાજસ્થાનના છે. પોલીસે ઘટનાસ્થળેથી 10.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 55,080 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ 10,53,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: પિધ્ધડ આર્ટિસ્ટ પુત્રવધૂથી કંટાળેલા સસરાએ પાર્ટીમાં રેડ કરાવીને જેલભેગી કરાવી દીધી…
પોલીસે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 7 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાતના અલગ-અલગ શહેરો જેવા કે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ તેમજ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓમાં મહેફિલનું આયોજન કરનાર મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે, જેની સામે અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં એક આરોપી માનસિંગ સિસોદિયા હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂ પીવાની પરમિટ ધરાવતા લોકોની સંખ્યા સમય-સમય પર બદલાતી રહે છે. જો કે, તાજેતરના અહેવાલો મુજબ, ગુજરાતમાં લગભગ 52,000 લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે.