સૌરાષ્ટ્રમાં ખાતરનો કકળાટ, ગીર ગઢડામાં લાગી લાઈન, જુઓ વીડિયો

ગીર સોમનાથઃ માવઠાની કળમાંથી ધરતીપુત્રો બેઠા થઈને રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા શહેરમાં ખાતરનો કકળાટ શરૂ થયો છે. ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગીર ગઢડા GNFC ખાતર ડેપો ખાતે ખેડૂતો 5 વાગ્યાથી યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા છે. ઘઉં અને અન્ય રવિ પાક માં જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. વ્યક્તિ દીઠ માત્ર બે થેલી જ યુરિયા મળી હોવાથી ખેડૂતો નારાજ છે. ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કેટલું ખાતર મળી રહ્યું છે
ખેડૂતોનું કહેવું છે કે, ડેપો પર ખાતર લેવા માટે ધક્કા ખાઈએ છીએ પરંતુ માત્ર બે બોરી જ ખાતર મળી રહ્યું છે. બીજી તરફ રવિ પાકને જીવિત રાખવા માટે ખાતર પાકમાં નાખવું ખૂબ જ જરૂરી છે. જો ખેડૂતોને ખાતર સમયસર નહિ મળે તો ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષે ખાતરની અછત સર્જાતી હોય છે ત્યારે આ વખતે પણ શિયાળામાં રવિ પાકની વાવણી બાદલ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું. ખાતર ન મળતા ખેડૂતો હાલ ડેપો ખાતે ખાતર લેવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે.
ખેડૂતોએ ખાતરને લઈ શું કરી માંગ
સવારથી સાંજ સુધી ખાતર માટે ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખેડૂતો ભાડા ખર્ચીને ડેપો ખાતે પહોંચી રહ્યા છે પરંતુ ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર ન મળતા આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ ખેડૂતોને ઘરે પરત ફરવું પડે છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.



