લોન લેવા જતાં ખેડૂતે રૂ. 1.71 કરોડ ગુમાવ્યા: ખેડૂતનું એકાઉન્ટ બન્યું ‘મની લોન્ડરિંગ’નું માધ્યમ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતના બેન્ક એકાઉન્ટમાંથી એક દિવસમાં જ રૂ. 1.71 કરોડના શંકાસ્પદ ક્રેડિટ અને ડેબિટ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિકુલ રામ નામના 27 વર્ષીય ખેડૂતના બેંક ખાતામાં શનિવારે સવારના ગણતરીના કલાકોમાં આટલી મોટી રકમની હેરફેર થઈ હતી, જેની તેમને કોઈ જાણકારી નહોતી. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, નિકુલને સવારે 6.20 વાગ્યાથી જ તેમના ઈમેલ પર ટ્રાન્ઝેક્શનના મેસેજ એલર્ટ મળવાનું શરૂ થઈ ગયું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે નિકુલે અગાઉ લોન લેવા માટે પોતાના બેંક ખાતાની વિગતો અને દસ્તાવેજો તેના મિત્ર નકુલ રામ સાથે શેર કર્યા હતા. નકુલે આ કામ માટે જૂનાગઢના ઉત્સવ સાગઠિયાનો સંપર્ક કર્યો હતો, જેણે લોનની વ્યવસ્થા કરી આપવાનો દાવો કર્યો હતો. તપાસ અધિકારીઓના મતે, ઉત્સવે આ બેંક ખાતાની માહિતી હિતેશ કિડિયા અને આયુષ ડેરને આપી, જેણે ત્યારબાદ આ માહિતી વસીમ શેખ અને મુબીન ભટ્ટીને આપી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વસીમ શેખ સાયબર ક્રાઇમ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક ટેલિગ્રામ ગ્રુપોનો ભાગ હતો, જે ગેરકાયદેસર ભંડોળને રૂટ કરવા માટે બેંક ખાતાઓ ભાડે આપતા હતા. આ નેટવર્ક ઓનલાઈન ગેમિંગ, સ્ટોક ટ્રેડિંગ અને રાજકીય પ્રવૃત્તિઓ સંબંધિત નાણાંની હેરફેર કરતા હોવાનું કહેવાય છે અને તેના બદલે ખાતાધારકોને કમિશન ચૂકવતા હોય છે.
પોલીસે જણાવ્યું કે ટેલિગ્રામ પરના એક યુઝરે નિકુલના ખાતામાં એક નવો લાભાર્થી ઉમેર્યો હતો, જેના કારણે ગણતરીના કલાકોમાં જ રૂ. 1.71 કરોડની ક્રેડિટ અને ડેબિટ ટ્રાન્ઝેક્શન થયા હતા. નિકુલને સવારે લગભગ 11.30 વાગ્યે આ પ્રવૃત્તિની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વસીમ શેખ (સાવરકુંડલા), હિતેશ કિડિયા (બાબરા), આયુષ ડેર (લાઠી), મુબીન ભટ્ટી (સાવરકુંડલા), અને ઉત્સવ સાગઠિયા (જૂનાગઢ) સહિત પાંચ શખ્સોની પૂછપરછ કરી અને નોટિસ આપીને તેમને મુક્ત કર્યા હતા.
આ ઉપરાંત, તપાસ કરતાં અધિકારીઓને એ પણ જાણવા મળ્યું છે કે નિકુલના ખાતા સાથે જોડાયેલા બે સાયબર ફ્રોડ કેસ ઉત્તર પ્રદેશમાં પણ પહેલેથી જ નોંધાયેલા છે. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે આ ઉચ્ચ મૂલ્યના ટ્રાન્ઝેક્શનનો મૂળ હેતુ અને સ્ત્રોત જાણવા માટે બેંક પાસેથી વિગતવાર ટ્રાન્ઝેક્શન ડેટા માંગ્યો છે. હાલમાં, આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316, 318, અને 54 તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધીને વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો…દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, વેબ સિરીઝની જેમ ઉપનામોનો કરતા હતા ઉપયોગ



