સોમનાથ મંદિર નજીક દબાણો પર બુલડોઝર ફર્યું: 34,644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો કરાશે દૂર

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથ મંદિર નજીક રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાક મકાન દૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપીને વિવાદિત જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો તેમ છતાં આ જગ્યા પર દબાણ ખાલી ન કરવામાં નહોતું આવ્યું.
આ પણ વાંચો: મુસ્લિમ સંગઠને સોમનાથ મંદિર પાસેની જમીન પર દાવો કર્યો, બુલડોઝર એક્શન સામે SCમાં સુનાવણી
34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીન
સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી 22 માર્ચે શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર નજીક વિવાદીત જમીન પર બાંધવામાં આવેલા 40 જેટલા મકાનોને વહીવટી તંત્ર દ્વારા ખાલી કરાવવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા.
કોર્ટના ચુકાદા બાદ પણ હતા દબાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદિત જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જો કે, તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરવામાં આવી ન હતી. વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવામાં ન આવતાં આખરે કોર્ટ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ થઈ હતી.