સોમનાથમાં ડિમોલેશનનો વિરોધ કરતા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15ની અટકાયત…

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. શુક્રવારે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું. તંત્ર દ્વારા દબાણકારોને અગાઉ નોટિસ આપવા છતાં તેમણે મકાનો ખાલી કર્યા ન હતા. શુક્રવારે વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર શામળા, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સહિત રેવન્યુ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.
પણ આ સમયે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં આવ્યા હતા અને મામલતદાર તેમજ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. મામલતદાર અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ ન સમજતા તેમની અટકાયત કરવામાં આવી હતી. વિમલ ચુડાસમાએ કલેક્ટર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો તેના દબાણો હટાવો. સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી અને આ કલેકટરે આવીને શાંતિ બગાડી નાખી છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે 70 વધુ મકાનધારકો વર્ષોથી અહીં રહે છે. નગરપાલિકા તેમની પાસેથી વેરા પણ વસુલ કરે છે. પોતાના નામના વીજ કનેક્શન પણ ધરાવે છે છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે ડિમોલેશન કરી રહ્યું છે. આ ડિમોલેશન સામે કોર્ટે નોટિસ પણ ઈશ્યુ કરી છે અને પોલીસ પાસે ડિમોલેશનનો કોઈ ઓર્ડર પણ નથી.
પ્રારંભિક તબક્કે રેવન્યુ અને પોલીસ તંત્ર દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત દબાણકારોને સમજાવટનો ખુબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ પણ દબાણકારોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખતા અંતે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોલીસ દ્વારા બળજબરીથી સ્થળ પરથી દુર લઈ જઈ એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતા. આ સમયે પણ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને સહકાર આપવા વિનંતી કરી હતી. સ્થળ પર ટોળાં વિખેર્યા બાદ તંત્ર દ્વારા બુલડોઝર શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આપણ વાંચો : સોમનાથ મંદિર નજીક દબાણો પર બુલડોઝર ફર્યું: 34,644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો કરાશે દૂર