ભાજપના રાજમાં સોમનાથમાં 184 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ફરશેઃ સોમપુરા બ્રહ્મ સમાજ મેદાનમાં

સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, આ કોરિડોરમાં 8 મંદિર સહિત 384 મિલકતો હટાવવાની તંત્રએ કવાયત કરી છે, પરંતુ તંત્રની આ કવાયતનો સ્થાનિકો દ્વારા જોરશોરથી વિરોધ શરૂ થયો છે.
આ દરમિયાન જૂના સોમનાથ મંદિર નજીક આવેલા અને 184 વર્ષથી સોમપુરા બ્રહ્મ સમાજના તાબા હેઠળના દુઃખહરણ મહારાજ મંદિર પર પણ બુલડોઝર ફરે તેવી શક્યતા છે. જેથી સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના યુવાનો મંદિરની બહાર અને અંદર રાત્રિ પહેરો ભરી રહ્યા છે. કારણ કે તેમને મંદિર ડિમોલિશન થવાનો ભય સતાવી રહ્યો છે.
આ મુદ્દે વેરાવળ ડે. કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યું હતું કે આ જગ્યા શ્રીસરકારની છે અને આગામી મંદિર કોરિડોર યોજના અંતર્ગત આ જગ્યા ઉપયોગમાં લેવામાં આવશે. મંદિરના પૂજારી હર્ષ આચાર્યે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટના રોજ વેરાવળના ડેપ્યુટી કલેક્ટરની ટીમ મંદિર પર આવી હતી અને અહીં નિશાની કરીને જણાવ્યું હતું કે આ જગ્યાએ ડિમોલિશન કરવાનું છે.
તેમણે પૂજારીને તેમની વસ્તુઓ સાચવી લેવા જણાવ્યું હતું અને બુલડોઝર ગમે ત્યારે આવી શકે છે એવી ચેતવણી પણ આપી હતી. આ ઘટનાથી સમુદાયમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. આ દેવાલય સાથે સમસ્ત પ્રભાસ પાટણ નગરના લોકોની આસ્થા જોડાયેલી છે