ઉનામાં 20 વર્ષે જન્મેલા માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર, ગ્રામજનોમાં ભયનો માહોલ!

અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં માનવ વસાહતના વિસ્તારોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા સામાન્ય બાબત છે. પરંતુ ઉનાના ભાચા ગામમાં બનેલા બનાવથી હાહાકાર મચી ગયો હતો.
ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના બે વર્ષના માસુમ પુત્રને દીપડાએ ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. આ બનાવ બાદ ગ્રામલોકોમાં ભારે ડરનો માહોલ છે અને દીપડાને પાંજરે પુરવાની માગ ઉઠી હતી.
મળતી વિગતો અનુસાર ઉના તાલુકાના ભાચા ગામના પાદરમાં ઝુંપડું વાળીને રહેતા ગરીબ પરિવારના રાજવીર ઇસુબચાઇ નામના બે વર્ષના બાળકને રાત્રીના દીપડો ઉઠાવી ગયો હતો અને ફાડી ખાધો હતો. જો કે રાત્રીના સમયે અચાનક ત્રાટકેલા દીપડાના કારણે જાગી ગયેલા પરિવારના લોકો અને આજુબાજુના લોકોએ મળીને દીપડાનો પીછો કર્યો હતો અને દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ બનાવની કરૂણતા એ છે કે, ગામના ગરીબ દંપતિને ત્યાં 20 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો. આથી બાળકના મૃત્યુથી પરિવાર પણ આભ ફાટ્યું હતું. દીપડાનાં હુમલાની ઘટના અંગે જાણ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.
તે ઉપરાંત આ ગરીબ પરિવારો છેલ્લા 20 વર્ષથી અહી વસવાટ કરતા હોય પરંતુ સરકાર દ્વારા પાકા મકાનની મંજુરી ન હોવાથી સતત વન્યપ્રાણીઓનો ભય સતાવતો રહે છે.
આ પણ વાંચો…ઘરમાં જ દીપડા ઘુસી જાય તો રહેવું કઈ રીતેઃ ઊનામાં દીપડાથી પત્નીની બચાવતા પતિ ઘાયલ