માવઠાના કારણે વધુ એક ખેડૂતનો આપઘાત: પાક નિષ્ફળ જતાં દીકરીઓના લગ્ન અને દેવાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું

ઉના: તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો પર વધી રહેલા આર્થિક દબાણને કારણે ખેડૂતોના આપઘાતના બનાવો બની રહ્યા છે. ભાણવડ બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના રેવદ ગામમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાનથી હતાશ થયેલા એક ખેડૂતે ગઈકાલે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રેવદ ગામના વતની અને ખેતીકામ કરતા ગફારભાઈ મુસાભાઇ ઉનડ (ઉંમર ૪૯) એ પોતાની ૧૦ વીઘા જમીનમાં પાક નિષ્ફળ જવાથી ભારે ચિંતા અને ડિપ્રેશનના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
મળતી વિગતો મુજબ, ગફારભાઈની ૧૦ વીઘા જમીનમાં કમોસમી વરસાદને કારણે પૂરેપૂરું નુકસાન થયું હતું. આ નુકસાનથી તેઓ એટલા હતાશ થયા હતા કે તેમણે પોતાની છાતી સાથે બે ફૂટનો સિમેન્ટનો થાંભલો બાંધીને કુવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. ગફારભાઈ ઉપર કેસીસી (KCC – કિસાન ક્રેડિટ કાર્ડ) બેંકની લોનનું ભારણ હતું. પાક નિષ્ફળ જવાથી તેઓ લોન કેવી રીતે ભરશે અને ભવિષ્યમાં શું થશે, તે અંગે ભારે ચિંતામાં હતા.
ગફારભાઈના આ પગલાથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના એક દીકરો અને ત્રણ દીકરીઓ નિરાધાર બની ગયા છે. મૃતક ખેડૂતને ખાસ કરીને તેમની દીકરીઓના લગ્નની તૈયારીઓ અને લોનની ચિંતા સતાવતી હતી. પાક નિષ્ફળ જતા આ તમામ જવાબદારીઓનું ભારણ કેવી રીતે ઉઠાવવું, તે વિચારોમાં જ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના માનપર વિસ્તારના 37 વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીપાક નિષ્ફળ જતાં ખેડૂત પર આર્થિક સંકટનું ભારણ આવી પડ્યું હતું. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતું.
આપણ વાંચો: અમદાવાદમાં પતિએ પત્નીને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન



