શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યો ભાવિકોનો મહાસાગર

સોમનાથ: ગુજરાતમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે નૈઋત્ય ખૂણા પર આરબ સાગરના કિનારે આવેલા પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ માં આસ્થા અને ભક્તિનો મહાસાગર ઉછળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર આજે હર-હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો. આજે સોમવારે મંદિરની બહાર વહેલી સવારે 4 વાગ્યાથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.
આ પણ વાંચો: શ્રદ્ધાનો સાગર શ્રાવણ માસ
વિક્રમ સવંત અનુસાર શ્રાવણ માસના પ્રથમ દિવસે અને સાથે જ સોમવારે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભગવાન સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે હજારો ભક્તો ઉમટ્યા હતા. દર્શનાર્થીઓની ભારે ભીડને જોતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોના પ્રવેશ અને બહાર જવા માટે અલગ-અલગ માર્ગ ખોલવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ વતી સતત 30 દિવસ ચાલતા મહામૃત્યુંજય યજ્ઞનો ટ્રસ્ટી જે.ડી.પરમારે પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ શ્રાવણના પ્રથમ ધ્વજાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ અધિકારીઓ અને ટ્રસ્ટી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

સોમનાથ મંદિરની પરંપરા મુજબ પ્રાતઃ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાનો અર્થ એવો છે કે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ સ્વયં શિવભક્તોને દર્શન આપવા નગર ભ્રમણ કરવા માટે જાય છે. વાજતે ગાજતે નીકળેલી પાલખીયાત્રામાં શ્રદ્ધાળુઓન હર-હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નિકળેલા ગુજરાતના વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત, MPના ગુનામાંથી મળી લાશ
આ યાત્રામાં સ્થાનિક સોમપુરા તીર્થના પૂજારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ પહેલા વહેલી સવારે દેવાધિદેવ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. મહાદેવને ગંગાજળ, દૂધ, કેસર અને ચંદન સાથે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર શ્રાવણ માસ દરમિયાન દરરોજ અલગ-અલગ રીતે મહાદેવનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે.