ગીર સોમનાથ

વેરાવળમાં બીચ પર પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતી વખતે યુવતી દરિયામાં તણાઈ, છનો બચાવ

ગીર સોમનાથઃ રાજ્યમા હાલ લગ્નની મોસમ ખીલી છે. અનેક લોકો લગ્નને યાદગાર બનાવવા માટે થોડા મહિના પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ વેડિંગ ફોટોશૂટ વખતે એક દુર્ઘટના બની હતી. વેરાવળના આદરી બીચ નજીક પ્રિ વેડિંગ ફોટોશૂટ વખતે સાત લોકો દરિયાના મોજામાં તણાયા હતા. જેમાંથી છને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવતી લાપતા બની હતી.

ઘટનાના પગલે બીચ પર રહેલા પ્રવાસીઓ તથા અન્ય લોકોએ બૂમાબમ કરી હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. સ્થાનિક પોલીસ, ફાયરબ્રિગેડ તથા તરવૈયાનો કાફલો દોડી આવ્યો હતો અને દરિયાના પાણીમાં ઝંપલાવીને છ લોકોને બહાર કાઢ્યા હતા. તણાઈ ગયેલી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ ચાર યુવતીઓ, બે યુવક તથા એક ફોટોગ્રાફર એમ કુલ સાત લોકો ફોટોશૂટ માટે બીચ પર આવ્યાં હતાં. આમાં વર-વધૂ સાથે ત્રણ યુવતી, એક ફોટોગ્રાફર અને ફોટોગ્રાફરનો હેલ્પર યુવક આ લોકો હતા. ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને તમામ સાત લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર પણ લાપતા બની હતી. જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરી નિશા હરસુખભાઈ રાઠોડના લગ્ન હતા અને વરપક્ષ અને વધૂપક્ષના લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

સૂત્રો મુજબ, વર- કન્યા અને પરિવારની ત્રણ દિકરીઓ તથા બે ફોટોગ્રાફર સહિત સાત લોકો ફોટોશૂટ માટે આદ્રી બીચ આવ્યા હતા. ફોટોશૂટ પુરું થઇ ગયું હતું, છેલ્લો સીન લેવા માટે આ લોકો પાણીમાં બેઠા હતા અને ઓચિંતાનું એક મોજું આવ્યું અને બધા તણાઈ ગયા. જ્યોતિએ બધા તણાઈ ન જાય એટલા માટે હાથ છોડી દીધો હતો. જેના કારણે તે તણાઈ ગઈ હતી.

આ પણ વાંચો…પિકનિક પર ગયેલા એક પરિવારનાં ત્રણ દરિયામાં ડૂબ્યા: ચાર ગૂમ, એકનો બચાવ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button