સૌરાષ્ટ્ર

ગીરમાં સિંહને કંઈ પણ થશે તો સેકન્ડોમાં મળશે સારવાર! પરષોત્તમ રૂપાલાના સવાલ પર કેન્દ્રનો જવાબ…

નવી દિલ્હી/અમદાવાદ: એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં વનરાજોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, ગીરના સિંહોના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ અને આપત્તિ સામે લડવા માટેની સજ્જતા કેળવવામાં આવી છે. જંગલમાં લાગતી આગ કે પૂર જેવી કુદરતી આફતો વખતે સિંહોના બચાવ માટે નિયમિતપણે તાલીમ કાર્યક્રમો અને ક્ષમતા વર્ધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

ગીરમાં સિંહોની સારવાર માટેની તબીબી સુવિધાઓ અંગે માહિતી આપતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે, સાસણ-ગીર ખાતેના રેસ્ક્યુ સેન્ટરમાં અત્યાધુનિક ‘લાયન હોસ્પિટલ’ કાર્યરત છે. આ હોસ્પિટલમાં ૨૪ કલાક નિષ્ણાત વન્યજીવ પશુ ચિકિત્સકો અને પેરા-વેટરનરી સ્ટાફ તૈનાત રહે છે. આ કેન્દ્ર આધુનિક નિદાન સાધનો, સારવાર માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનેસ્થેસિયા, એન્ટિબાયોટિક્સ અને કટોકટીની દવાઓના પૂરતા જથ્થાથી સજ્જ છે. આ ઉપરાંત, વન્યજીવોના બચાવ અને પુનર્વસન માટે ખાસ પ્રકારના હોલ્ડિંગ અને ટ્રીટમેન્ટ પાંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો…સાવજની સુરક્ષા પર સવાલ: અમરેલીમાં કૂવામાં ખાબક્યો, તો કોડીનારમાં ઈલેક્ટ્રિક શોકે લીધો સિંહનો ભોગ!

સંસદમાં રજૂ કરાયેલા જવાબ મુજબ, ગુજરાત વન વિભાગ આપત્તિના સમયે અસરકારક કામગીરી કરવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્તપણે પાલન કરે છે. આંતર-એજન્સી સંકલન અને સમયસર કામગીરી માટે વન વિભાગ સજ્જ છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં સિંહોના રેસ્ક્યુ અને ટ્રીટમેન્ટની કામગીરીમાં વિલંબ ન થાય. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે વન્યજીવોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન એ પ્રાથમિક રીતે રાજ્ય સરકારની જવાબદારી છે, જેમાં કેન્દ્ર સરકાર જરૂરી સહયોગ પૂરો પાડે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button