સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટી પણ ધુમ્મસનું રાજ, વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકો ધીમા પડ્યા

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટતા વાતાવરણમાં થોડો ગરમાવો વધ્યો છે. મોડી સાંજ સુધી વાતાવરણ થોડું ગરમ જ રહે છે, પછીથી ઠંડી અનુભવાય છે ત્યારે રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. સવારે મોડે સુધી વાતાવરણ ઝાંખુ રહ્યું હતું અને વાહનચાલકોને તકલીફ પડી હતી.
હાઈ વે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ ધીમી પડી હતી. રાજકોટ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી ઉપર ચડ્યો હતો. રાજકોટ,વેરાવળ, પોરબંદર વગેરેમાં લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. કંડલા, ભુજમાં અનુક્રમે 17 અને 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: ઠંડીનું જોર ઘટ્યુંઃ ડિસેમ્બરથી બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના
ખાસ કરીને હાઈવે ઉપર વિઝીબિલીટી ઘટી જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી.દરમ્યાન આજે પણ રાજકોટ સહિત મોટા ભાગનાં સ્થળોએ 2 થી 4 ડિગ્રી, ઠંડી ઘટી જવા પામી હતી આજે સવારે રાજકોટમાં 15 ડિગ્રી વેરાવળમાં 19.7, પોરબંદરમાં 16.4, નલિયામાં 12, કંડલામાં 17.2, ભૂજમાં 15.4, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર તમામ મથકોમાં ધુમ્મસને લીધે સવારે અલગ વાતાવરણ હતું, પરંતુ દિવસ ચડતા ગરમી અનુભવાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે ડિસેમ્બર મહિનાથી ફરી ઠંડીમાં વધારો થશે, તેમ જાણવા મળ્યું છે.



