દ્વારકાના દરિયા કિનારે અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું, કેમિકલ હોવાની શંકા

દ્વારકાઃ દ્વારકા નજીકના વરવાળા ગામ પાસે આવેલા દરિયા કિનારે એક અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું. કન્ટેનરને જોવા માટે લોકો ભેગા થયા હતા. ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગ્યું છે કે કન્ટેનરની અંદર કેમિકલ હોઈ શકે છે.
પોલીસે આ કન્ટેનર ક્યાંથી આવ્યું અને તેમાં શું છે તેની તપાસ શરૂ કરી હતી. વધુ માહિતી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ બોલાવવામાં આવી હતી. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ કન્ટેનરની અંદરની સામગ્રી વિશે સાચી અને ચોક્કસ માહિતી મળી શકશે.
આ પણ વાંચો: દ્વારકાના દરિયામાં તોફાન છતાં માછીમારી: કલેક્ટરના આદેશની અવહેલના…
ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકિનારે અવારનવાર અજાણ્યા કન્ટેનર તણાઈ આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં, કચ્છના અબડાસા તાલુકાના દરિયાકિનારે આવા ચાર કન્ટેનર તણાઈ આવ્યા હતા. પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 6 થી 10 ઓગસ્ટ દરમિયાન કચ્છના અબડાસાના દરિયાકિનારે આ ચાર કન્ટેનર તણાઈને આવ્યા હતા. આ કન્ટેનરને બહાર કાઢીને તેની અંદરની સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. એક કન્ટેનરમાંથી લીક થયેલા પ્રવાહીનો સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં મોકલવામાં આવ્યો છે. એફએલનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમાં શું છે તે વિશે ચોક્કસ માહિતી મળી શકશે.
ગુજરાતના દરિયાકિનારે આવા અજાણ્યા કન્ટેનર તણાઈ આવ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. જુલાઈ મહિનામાં પણ કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકિનારે આવા કન્ટેનર મળી આવ્યા હતા. તે કન્ટેનરોમાં એર પ્રેશર ટેન્ક હતી, જે હોંગકોંગથી દુબઈ જઈ રહી હતી.