કંડલા બંદરથી દ્વારકાના વાડીનાર પોર્ટ સુધી વિશિષ્ટ ખારાઈ પ્રજાતિના ઊંટોએ ખેડી રોમાંચક દરિયાઈ સફર
વાડીનાર મરીન પોલીસ દ્વારા તમામ ઉંટોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરાયું

ભુજઃ ભારતમાં રણ પ્રદેશ કચ્છ અને રાજસ્થાનમાં જ જોવા મળતા, ઊંડા પાણીમાં ચાલી, તરી શકતા વિશિષ્ટ ખારાઈ પ્રજાતિના ઊંટને લગતો એક નવતર કમ આશ્ચર્યજનક ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી ૩૩ જેટલાં ખારાઈ ઊંટ છેક દ્વારકાના દરિયાકાંઠે સહીસલામત પહોંચ્યાં હતા અને આ યાદગાર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
કચ્છમાં ગત સપ્તાહે વરસેલા અતિભારે ભારે વરસાદ બાદ અંદાજે ૩૩ જેટલાં ખારાઈ પ્રજાતિના ઊંટ મહાબંદર કંડલા આસપાસના તોફાની બનેલા વિશાળ સમુદ્રમાં તણાઇ ગયાં હતાં. આ દરમ્યાન તેઓ ૫૦ નોટિકલ માઈલ જેટલું સ્વિમિંગ કરીને છેક દેવભૂમિ દ્વારકાના વાડીનાર બંદરના કિનારે હેમખેમ પહોંચી આવ્યા હતાં, જ્યાં વાડીનાર મરીન પોલીસે તમામ ઊંટોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું અને તેમના માલિકને પરત સોંપવાની કામગીરી હાથ ધરાઇ છે તેમ ઇન્ચાર્જ પી.આઈ વી.આર શુક્લએ જણાવ્યું હતું.
વાડીનાર મરીન પોલીસના શુકલના જણાવ્યા પ્રમાણે, મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના સીંગચ ગામના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિનાં ઊંટોને લઇને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરિયા વનસ્પતિ ખવડાવવા લઈ આવ્યા હતા. ત્યારે તેઓ દરિયાના પાણીમાં તરીને દ્વારકા ગયા હતા. જાગૃત લોકોએ આ અંગે જાણકારી આપતાં તમામ ઊંટોનું સફળ રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ
અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ કચ્છનાં ખારાઈ ઊંટ એશિયામાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. ચેરના વૃક્ષોનો ચારો ચરવા માટે તેઓ દરિયામાં જાય છે. કચ્છમાં સામાન્ય રીતે ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા આપી ચૂકી છે. વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં સત્તાવાર રીતે લગભગ ૪,૨૬૬ ખારાઈ ઊંટ નોંધાયા હતા. જોકે, એક સંસ્થાની સ્વતંત્ર ગણતરી પ્રમાણે વર્ષ ૨૦૨૪માં ફક્ત ૧,૦૯૬ ખારાઈ ઊંટ બચ્યા હોવાનું સામે આવ્યું હતું.
કચ્છથી દ્વારકા સુધીના વિશાળ સમુદ્રમાં તરીને સહીસલામત પહોંચ્યાં એ અસામાન્ય ઘટના હાલ સોશિયલ મીડિયા થકી દેશ-વિદેશમાં ભારે વાયરલ થઈ રહી છે.