દ્વારકાના પ્રાચીન મંદિરમાંથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, ભત્રીજીને સપનું આવ્યું અને…

દેવભૂમિ દ્વારકા: મહાશિવરાત્રી પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી શિવલિંગની ચોરી થઈ હતી જેને લઈને ભક્તોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. હવે હર્ષદના ભીડભંજન મહાદેવના મંદિરમાંથી થયેલી શિવલિંગ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. જો કે શિવલિંગનું ચોરી પાછળનું કારણ જાણીને ખુદ પણ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે હિંમતનગરના ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
ભત્રીજીને આવ્યું હતું સપનું
પ્રાપ્ત વિગતો પ્રમાણે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના હર્ષદના પ્રાચીન શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી અને ચોરી પાછળનું કારણ એક યુવતીને આવેલું સપનું છે. સાબરકાંઠા જિલ્લાના મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સપનામાં આવ્યું હતું કે જો હરસિધ્ધિ મંદિર પાસેના ભીડભંજન મહાદેવના શિવલિંગને ઘરે સ્થાપિત કરવામાં આવે તો ખૂબ પ્રગતિ થશે. આ સપના બાદ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને ત્રણ મહિલાઓએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતુ.
આ પણ વાંચો: ડિમોલિશન બાદ હવે બેટ દ્વારકામાં દેશની સુરક્ષા એજન્સીઓનો યુદ્ધાભ્યાસ
ચોરેલું શિવલિંગ પોતાના ઘરે સ્થાપિત કર્યું
તેમણે હર્ષદ આવીને કેટલાક દિવસો સુધી રેકી કરી હતી અને બાદમાં શિવરાત્રીના આગળના દિવસે તેઓએ શિવલિંગની ચોરી કરી અને હિંમતનગર લઈ જઈને પોતાના ઘરે સ્થાપિત કર્યું હતું. શિવલિંગની ચોરીની ઘટના બાદ ભારે ચર્ચા જાગી હતી.
પોલીસની સક્રિય કામગિરી
આ શિવલિંગ ચોરીના કેસને ઉકેલવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના અધિકારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ અને માનવીય સ્રોતોની મદદથી પોલીસે ચોરાયેલું શિવલિંગ શોધી કાઢ્યું હતું અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.