શિવરાજપુર બીચ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આટલું જાણી લેજો, નહીતર મજા રહી જશે ફિક્કી…

જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની સુરક્ષા અને બીચની સ્વચ્છતા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન દરિયામાં પ્રવર્તમાન તોફાની પરિસ્થિતિ અને પ્રવાહને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોમાસામાં દરિયાની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શિવરાજપુર બીચ પર તમામ પ્રવાસીઓ અને સ્થાનિકોને ન્હાવા કે સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયામાં જોરદાર પ્રવાહને કારણે આ પ્રવૃત્તિઓ જોખમી બની શકે છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે.
શિવરાજપુર બીચની નિયમાનુસાર જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુસર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અન્ય કેટલાક પ્રતિબંધો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શિવરાજપુર બીચ પર ૫ કિલોમીટરની ત્રિજ્યામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટિકના ઉપયોગ કે વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
બીચ વિસ્તારમાં વાહનોની અવર-જવર પર, કચરો ફેંકવા, બીચ વિસ્તારમાં કેમ્પેઈન કરવા પર, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટ્સ કે ફિશિંગની પ્રવૃત્તિઓ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામું તારીખ ૨૬/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.