સોમનાથ બાદ હવે દ્વારકાધીશના શરણે રાષ્ટ્રપતિ: સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના, | મુંબઈ સમાચાર
દ્વારકા

સોમનાથ બાદ હવે દ્વારકાધીશના શરણે રાષ્ટ્રપતિ: સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના,

દ્વારકા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ પર છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, ગીર નેશનલ પાર્ક બાદ હવે તેઓ પવિત્ર યાત્રાધામ દ્વારકા પહોંચ્યા છે. રાષ્ટ્રપતિના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડથી તેઓ જગતમંદિર જવા રવાના થય હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ પર છે. ગઇકાલે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાંથી તેઓ ગીર નેશનલ પાર્ક જવા રવાના થયા હતા અને ત્યાં જ તેમણે રાત્રિરોકાણ કર્યું હતું. દ્રૌપદી મુર્મૂએ ભવ્ય એશિયાટિક સિંહના નિવાસસ્થાન અને સમૃદ્ધ, વૈવિધ્યસભર વન્યજીવન ધરાવતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ, તેમણે સ્થાનિક આદિવાસી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયની પ્રકૃતિ-અનુકૂળ જીવનશૈલી આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે પરંપરાઓનું જતન કરવાની સાથે સાથે વિકાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગીરમાં વસતા સીદી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો…રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાવજોને નિહાળ્યા! સીદી સમુદાય સાથે મુલાકાત કરી, ‘પ્રકૃતિ-મિત્ર’ જીવનશૈલીને બિરદાવી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button