દ્વારકા

દ્વારકામાં બે વર્ષથી રહેતો HIV પોઝિટિવ સીરિયન ઝડપાયો, કેમ પોતાના દેશમાં પાછો જવા નથી માંગતો?

દેવભૂમિ દ્વારકાઃ દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સોમવારે એક સીરિયન યુવકની માન્ય વિઝા વિના ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે તે સીરિયામાં સમલૈંગિક સંબંધો સ્વીકાર્ય ન હોવાથી તે પાછો જવા માંગતો નહોતો.

બંને વ્યક્તિઓ HIV પોઝિટિવ

સૂત્રોએ જણાવ્યું કે, 29 વર્ષીય સીરિયન નાગરિક ખંભાળિયાના એક વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધોમાં હતો અને તેના સાથીદાર સાથે રહેવા માટે તેણે બે વર્ષથી વધુ સમય સુધી વિઝા મુદત પૂરી થઈ ગયા પછી પણ ભારતમાં રોકાણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને વ્યક્તિઓ HIV પોઝિટિવ છે.

ચોક્કસ બાતમીના આધારે, પોલીસે સીરિયાના જાબલેહનારહેવાસી એવા યુવકની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ સીરિયન પાસપોર્ટ મળી આવ્યા હતા, પરંતુ તે કોઈ માન્ય વિઝા રજૂ કરી શક્યો નહોતો. તેનો સ્ટુડન્ટ વિઝા 14 માર્ચ, 2020ના રોજ પૂરો થઈ ગયા હતા, જ્યારે ઓનલાઈન રિન્યૂ કરાયેલો વિઝા માત્ર 5 જુલાઈ, 2023 સુધી જ માન્ય હતા.

2018માં સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો ભારત

સૂત્રોએ જણાવ્યું કે, તેણે 2018માં ભારત સરકારની સ્કોલરશિપ દ્વારા રાજકોટની એક ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને 2019માં આવ્યો હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. વિઝા પૂરા થયા પછી, તેણે રાજસ્થાનના ચિત્તોડગઢમાં માસ્ટર ડિગ્રી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના અપૂર્ણ દસ્તાવેજોને કારણે પ્રવેશ મળ્યો નહોતો. નવો વિઝા લેવા માટે સીરિયા પરત જવાને બદલે, તે ખંભાળિયા આવી ગયો હતો.

સૂત્રોના મતે, સીરિયન યુવકે જણાવ્યું કે રાજકોટમાં અભ્યાસ કરતી વખતે તે એક ડેટિંગ એપ દ્વારા ખંભાળિયાના રહેવાસીને મળ્યો હતો અને તેમની વચ્ચે સંબંધ વિકસ્યો હતો. ખંભાળિયાનો આ વ્યક્તિએ તેને આશ્રય આપ્યો હતો. સીરિયન યુવક સ્કૂલના કારકુની કામમાં પણ મદદ કરતો હતો. તપાસ દરમિયાન તેણે UNHCR રેફ્યુજી કાર્ડ રજૂ કર્યું હતું, જેના કારણે વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

એસ પી શું બોલ્યા ?

એસ.પી. જયરાજસિંહ વાળાએ કહ્યું, જ્યારે તેના વિઝા પૂરા થઈ ગયા, ત્યારે તેની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી. સોશિયલ મીડિયા એપ દ્વારા તેણે ખંભાળિયાના આ વ્યક્તિ સાથે સંબંધ વિકસાવ્યો હતો. અમે હવે તેના ગેરકાયદેસર રોકાણ વિશે વધુ જાણવા માટે બેંક વ્યવહારો અને મોબાઇલ રેકોર્ડની તપાસ શરૂ કરીશું. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે તે સીરિયામાં સમલૈંગિક સંબંધો સ્વીકાર્ય ન હોવાથી તે પાછો જવા માંગતો નહોતો. ભારતમાં તેને એક સાથી મળી ગયો હોવાથી તે અહીં જ રોકાઈ ગયો હતો. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો:  ગુજરાતમાં બે દિવસ બાદ ફરી યોજાશે મોકડ્રીલ, જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button