ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર પોપડા પડવાના વાયરલ વીડિયો અંગે એન્જિનિયરને સ્પષ્ટતા કરવી પડી, જાણો શું કહ્યું?

ઓખા: ઓખા અને બેટ દ્વારકાને જોડતા કરોડોના ખર્ચે બનેલા સુદર્શન બ્રીજ પર બ્રિજના પોપડા પડતાં હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને કારણે બ્રિજની સુરક્ષા અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જોકે, આ અંગે સુપરવિઝન એજન્સીના ઈજનેરે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે સુદર્શન સેતુ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વીડિયોમાં દેખાતી ઘટના સફાઈ પ્રવૃત્તિનો ભાગ
ઈજનેરે જણાવ્યું હતું કે, બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ઉચ્ચ ગુણવત્તાના માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં દેખાતી ઘટના માત્ર સફાઈ પ્રવૃત્તિનો એક ભાગ હતી, જેમાં ધૂળ અને નાના કણો હવામાં ઉડતા દેખાયા હતા, જેને લોકોએ ખોટી રીતે પોપડા પડતા હોવાનું અર્થઘટન કર્યું હતું. તેમણે જનતાને આવા ભ્રામક વીડિયોથી ગેરમાર્ગે ન દોરાવવા અને બ્રિજની સુરક્ષા અંગે ખાતરી આપી હતી.
ગત વર્ષે પણ ચર્ચામાં આવ્યો હતો સુદર્શન બ્રીજ
ઉલ્લેખનીય છે કે ગતવર્ષે દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગોનું ધોવાણ થયુ હતું અને પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ સુદર્શન બ્રીજની ત્રણ જગ્યાએથી ગાબડાં પડ્યા હતાં અને સળિયા દેખાઈ ગયા હોય તેમજ ઘણી જગ્યાએ દીવાલનું પ્લાસ્ટર ઊખડી ગયું હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.