યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યુંઃ દ્વારકામાં ભક્તોની હાલત કફોડી…
ગોમતી નદીના પટમાંથી પસાર થવાની પડી ફરજ

દ્વારકા: હાલ નાતાલનાં રજાના દિવસોમાં ગુજરાતનાં યાત્રાધામો સહિત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું માનવ મહેરામણ ઊમટ્યું છે. આ રજાના દિવસોમાં પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે તો બીજી તરફ આ સમય દરમિયાન સુદામા સેતુ બંધ હોવાથી લોકોને ગોમતી નદીનાં પટમાંથી પસાર થવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં
લોકોને દર્શન કરવામાં ભારે હાલાકી
હાલ નાતાલની રજાઓને લઈને ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ ડિસેમ્બરનાં આખરી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. જો કે બીજી તરફ ગોમતી ઘાટ પર લોકોને દર્શન કરવામાં ભારે હાલાકી પડી રહી છે.
નદીનાં પટમાંથી પસાર થયા યાત્રાળુઓ
ગોમતી નદીનાં સામા કાંઠે આવેલા પૌરાણિક તીર્થસ્થાનો પર દર્શન કરવા જવા માટે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે ગોમતી નદી પરનાં સુદામા સેતુ બ્રિજને છેલ્લાં ઘણા સમયથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આથી સામા કાંઠાનાં તીર્થ સ્થાનો પર જનારા યાત્રાળુઓને નદીનાં પટમાંથી પસાર થવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : Gujarat માં શિયાળામાં વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આ આગાહી
બજારની બહાર પણ લાંબી કતારો
ગોમતી નદીનાં પટમાંથી પસાર થઈ રહેલા યાત્રાળુઓની સાથે બાળકો પણ આ જોખમી રીતે નદી પાર કરે છે અને આથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ સંભાવના રહેલી છે. તો બીજી તરફ દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને બજારની બહાર સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. લગભગ એકાદ કિમી જેટલી લાંબી કતાર જોવા મળી રહી છે.