કલ્યાણપુરના પિતાએ ૫ વર્ષની પુત્રી અને ૩ વર્ષના પુત્રને ઝેર પીવડાવી આત્મહત્યા કરી; કારણ હતું….

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પિતા અને બે માસૂમ બાળકોના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવાન પોતે ગંભીર બીમારી હોય તેના કારણે બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને સામૂહિક આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના લાંબા ગામમાં સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતક મેરામણ કરશન ચેતરિયા (ઉં.વ.40)ને છેલ્લા પાંચેક વર્ષથી મોઢાનું કેન્સર હતું અને આ બીમારી હવે અંતિમ સ્ટેજમાં હોવાથી ગમે ત્યારે તેમનું મૃત્યુ થઈ શકે તેમ હતું. આથી તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હતા અને તેમના મૃત્યુ બાદ તેમના બાળકોનું શું થશે તે ચિંતા રહેતી હતી.
આ જ ચિંતાના કારણે તેમણે આ પગલું ભરી લીધું હતું. મૃતક મેરામણભાઈએ પહેલા પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને બાદમાં પોતે ઝેરી દવા ગટગટાવી આપગઘાત કરી લીધો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત